ન્યૂ યોર્કઃ અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 લાખને પાર થઈ ગયો છે. કુલ મરણાંક 10 લાખે પહોંચ્યો છે ત્યારે અમુક અહેવાલોમાં દાવો થયો છે કે આમાંથી ત્રણ લાખ મોત નિવારી શકાય તેવા હતા. 2021ના જૂનની મધ્યમાં યુએસમાં કોરોના મરણાંક છ લાખનો આંક પાર કરી ગયો ત્યારે કોરોનાની રસી મોટા પાયે ઉપલબ્ધ બની હતી. એ પછી જે ચાર લાખ મોત થયા હતા તેમાં ત્રણ લાખથી વધારે મોત કોરોનાની રસી ન લેવાને કારણે થયા હતા. આ ચાર લાખમાંથી 80 ટકા લોકોએ કોરોનાની રસી લીધી નહોતી. જ્હોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના મહામારી શાસ્ત્રી ડેવિડ ડોઉડીએ જણાવ્યું હતું કે ત્રણ લાખ કરતાં વધારે મોત નિવારી શકાયા હોત એમ કહેવું વાજબી છે. દસ લાખ મરણાંક એટલે સેવન ઈલેવનની ઘટના દરરોજ સળંગ 366 દિવસ બને એમાં જેટલા કુલ મરણાંક થાય એના કરતાં વધારે અમેરિકનો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. બોસ્ટન અને પિટ્સબર્ગ શહેરની વસ્તી કરતાં પણ વધારે લોકો કોરોના મહામારીમાં માર્યા ગયા છે. કોરોનામાં મૃત્યુ પામનારાં શ્વેતોની સરખામણીમાં અશ્વેતોની સંખ્યા બમણી છે. દેશના પાટનગર વોશિંગ્ટનમાં નેશનલ કેથેડ્રલમાં આવેલા સૌથી મોટા ઘંટને એક સપ્તાહ અગાઉ દર 1000 મોત નોંધાયા ત્યારે 1000 વાર વગાડવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2020માં રસી ઉપલબ્ધ થઈ તે પછી અડધા કરતાં વધારે મોત નોંધાયા છે. આજે બે તૃતિયાંશ અમેરિકનોને કોરોનાની રસી લીધેલી છે અને તેમાંના અડધાએ બૂસ્ટર ડોઝ પણ મેળવ્યો છે પણ પછી કોરોનાની રસીની માંગ ઘટી ગઈ હતી.