વોશિંગ્ટનઃ કોલોરાડોના ડાઉનટાઉન સ્થિત પર્લ સ્ટ્રીટ પેડેસ્ટ્રિયન મોલમાં સોમવારે થયેલા આતંકી હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે. એફબીઆઈએ જણાવ્યું હતું કે તેમણે હુમલાની તપાસ કરી રહી છે. આ ટાર્ગેટ એટેક કરનાર શંકાસ્પદ વ્યક્તિએ ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા લગાવ્યા હતા ને ફ્લેમથ્રોઅર (અગનજ્વાળા ફેંકતા સાધન) વડે હુમલો કરતાં કેટલાક દાઝી ગયા છે. હુમલામાં યહૂદી વિરોધીઓને નિશાન બનાવાયા હતા. કેટલાક લોકો અહીં હમાસે બંધક બનાવેલા લોકોની મુક્તિની માંગ કરી રહ્યા હતા. હુમલો કરનારની ઓળખ 45 વર્ષીય મોહમ્મદ સાબરી સોલિમાન તરીકે થઈ છે, જેને કસ્ટડીમાં લઈને ડેનવરની બોલ્ડર કાઉન્ટી જેલમાં રખાયો છે. કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે નફરતથી ભરેલું કોઈપણ કૃત્ય સહન કરાશે નહીં. એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલે ‘એક્સ’ પર જણાવ્યું હતું કે, ‘અમે કોલોરાડોના બોલ્ડરમાં ટાર્ગેટેડ આતંકવાદી હુમલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.’ એફબીઆઈના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોંગિનોએ જણાવ્યું હતું કે આ હુમલાની ‘વિચારધારાથી પ્રેરિત હિંસા’ તરીકે તપાસ ચાલી રહી છે.