વોશિંગ્ટનઃ પ્રેસિડેન્ટ જો બાઈડને ૨૮ જુલાઈએ તેમના એડમિનિસ્ટ્રેશનમાં ભારતીય અમેરિકન જૈની બાવિશી સહિત ત્રણ વ્યક્તિઓને કામગીરી માટે નોમિનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાવિશી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં ઓશન્સ એન્ડ એટમોસફિયરમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે બાઈડનના નોમિની છે. જ્યારે ચાવોન્ડા જેકબ્સ – યંગ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં રિસર્ચ, એજ્યુકેશન અને ઈકોનોમિક્સના અંડર સેક્રેટરી તરીકે નોમિની છે અને થીયા કેન્ડલર ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં એક્સપોર્ટ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે નોમિની છે.
હાલ બાવિશી ન્યૂયોર્ક સિટી મેયર્સ ઓફિસ ઓફ ક્લાઈમેટ રેઝિલિયન્સીના ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ વિજ્ઞાન આધારિત વિશ્લેષણ, પોલીસી, પ્રોગ્રામ અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને કેપેસિટી બિલ્ડીંગ દ્વારા શહેરને ક્લાઈમેટ ચેન્જની અસરો સામે તૈયાર કરતી ટીમનું નેતૃત્વ સંભાળે છે.
તેમની ઓફિસ ફ્લડવોલ્સ અને ફ્લડગેટ્સ સાથેની ૨.૪ માઈલ લાંબી ફ્લડ પ્રોટેક્શન સિસ્ટમ ઉભી કરીને શહેરના સ્ટ્રક્ચર્સ અને રહીશોને બચાવવા માટે કાર્ય કરી રહી છે. તે ઉપરાંત, મેનહટનમાં અંડરગ્રાઉન્ડ ઈન્ટિરિયર ડ્રેનેજ સિસ્ટમ્સમાં પણ સુધારા કરી રહી છે.
બાવિશીએ મેસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી સિટી પ્લાનિંગમાં માસ્ટર્સ ડિગ્રી અને ડ્યૂક યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલીસી અને કલ્ચરલ એન્થ્રોપોલોજીની બેચલર્સ ડિગ્રી મેળવી છે.
ન્યૂયોર્કના મેયર બિલ દ બ્લેસિઓએ જણાવ્યું હતું કે બાઈડન એડમિનિસ્ટ્રેશને અમેરિકન લોકોની સેવા કરવા માટે પ્રખર ક્લાઈમેટ હિમાયતીને પસંદ કર્યા છે.
ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં બાવિશીએ એન્વાયર્નમેન્ટલ ક્વોલિટી પરની વ્હાઈટ હાઉસ કાઉન્સિલમાં ક્લાઈમેટ પ્રિપેર્ડનેસના એસોસિએટ ડિરેક્ટર તરીકે અને ડિરેક્ટર ઓફ એક્સ્ટર્નલ અફેર્સના ડિરેક્ટર અને નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરીક એડમિનિસ્ટ્રેશનમાં સિનીયર પોલીસી એડવાઈઝર તરીકે ફરજ બજાવી હતી.