ક્લાઈમેટ ચેન્જ સામે લડવા જેફ બેઝોસનું ૧૦ બિલિયન ડોલરનું દાન

Thursday 27th February 2020 03:51 EST
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામેની લડત માટે તાજેતરમાં ૧૦ બિલિયન ડોલરના ડોનેશનની જાહેરાત કરી છે. રૂપિયામાં ગણતરી કરીએ તો આ રકમ રૂ. ૭૧૫ બિલિયન જેટલી થાય છે. બેઝોસે આ જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર કરી હતી.
આ રકમ બેઝોસની કુલ સંપતિના ૮ ‘ટકા જેટલી માતબર છે. બેઝોસની સંપતિ અત્યારે ૧૩૦ બિલિયન ડોલર જેટલી છે. થોડા સમય પહેલા જ અમેરિકામાં એમેઝોનના કર્મચારીઓએ કંપનીની પર્યાવરણ સંરક્ષણ પોલિસી સામે વિરોધ નોંધાવ્યો હતો. કંપનીએ પર્યાવરણની જાળવણી કરવા માટે પગલાં ભરવા જોઈએ એવી કર્મચારીઓ ડિમાન્ડ કરી હતી. એ પછી બઝોસે આ નિર્ણય લીધો હતો.
સૌથી મોટા દાન પૈકીનું
બેઝોસે કહ્યું હતંુ કે આ રકમનો ઉપયોગ પર્યાવરણની જાળવણી માટે કામ કરતી વિવિધ સંસ્થા, વિજ્ઞાાની, સંશોધકો વગેરેને મદદ કરવા માટે થશે. જરૂર પડશે ત્યાં આ ફંડમાંથી રકમ ફાળવાશે. પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર થયેલા સૌથી મોટા દાન પૈકીનું એક છે. આ પહેલા ૨૦૦૬મા અમેરિકી ઉદ્યોગપતિ વોરેન બફેટે ૩૬ અબજ ડોલરનું ડોનેશન કર્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી મોટું ગણાતું હતું.
૨૦૪૦ સુધીમાં કાર્બન ઉત્પાદન ઝીરો
બેઝોસે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ આજના યુગની સૌથી મોટી સમસ્યા છે. માટે તેની સામે લડત આપવા માટે મારાથી થાય એવો પ્રયાસ કરું છું. કંપનીએ ૨૦૪૦ સુધીમાં કાર્બન ઉત્પાદન ઝીરો કરવાની તથા ૨૦૨૪ સુધીમાં ૧ લાખ ઈલેક્ટ્રિક ડિલિવરી વાન દોડાવાની પણ જાહેરાત અગાઉ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter