ખાલિસ્તાની આતંકી હેપ્પી પાસિયા કેલિફોર્નિયામાં ઝડપાયો

Wednesday 23rd April 2025 08:18 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતમાં 16 કેસોમાં વોન્ટેડ આતંકવાદી હેપ્પી પાસિયા ઉર્ફે હરપ્રીત સિંહની અમેરિકામાં ધરપકડ કરાઇ છે. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ હેપ્પીને કેલિફોર્નિયાના સેક્રામેંટો શહેરના બહારના વિસ્તારમાં દરોડો પાડી પકડયો છે. આ કાર્યવાહીમાં એફબીઆઈ સાથે અમેરિકન ઈમિગ્રેશન અને કસ્ટમ (આઈસીઈ)ની ટીમ પણ સામેલ હતી. એફબીઆઇના વડા કાશ પટેલે હેપ્પી પાસિયાની ધરપકડ અને ભારત પ્રત્યર્પણ અંગે કહ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે.

પંજાબમાં શ્રેણીબંધ ગ્રેનેડ હુમલાઓ માટે જવાબદાર હેપ્પીની ધરપકડ ભારતીય એજન્સીઓ માટે મોટી સફળતા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસમાં કાર્યરત એફબીઆઈના વિશેષ અધિકારીને હેપ્પી અંગે માહિતી આપી હતી. આતંકવાદી હેપ્પીને માથે પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. પંજાબ પોલીસના ડોઝિયર અનુસાર હેપ્પીની વિરુદ્ધ કુલ ૩૩ એફઆઈઆર નોંધાયેલી છે જ્યારે 10 લુકઆઉટ નોટિસ જાહેર થયેલી છે. પંજાબના અમૃતસર જિલ્લાના અજનાલાના આતંકવાદી 2024માં ગુરુદાસપુરમાં પોલીસ બેરેક પર રોકેટ અટેક અને નવેમ્બર 2024માં અજનાલા બ્લાસ્ટમાં હેપ્પીની સંડોવણી હતી.
સીધો જ ડિપોર્ટ થશે
આતંકવાદી હેપ્પી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો હતો. ભારતના અનુરોધ પર અમેરિકન એજન્સીઓએ તેની ધરપકડ કરી છે અને તે ભારતમાં અપરાધિક કેસોમાં વોન્ટેડ છે, એવામાં હેપ્પી અમેરિકન કોર્ટમાં નહીં જઈ શકે. અમેરિકા તેનું પ્રત્યર્પણ નહીં કરે, તેને ભારતીય એજન્સીઓ મારફતે સીધો ડિપોર્ટ કરાશે.

ચાર વર્ષથી અમેરિકામાં હતો
આતંકવાદી હેપ્પી છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં છુપાયેલો હતો. તે 2018માં સૌથી પહેલા દુબઈ ભાગ્યો હતો અને પછી 2019માં ભારત પરત ફર્યો હતો. બીજા વર્ષે તે લંડન ભાગ્યો અને પછી ત્યાંથી અમેરિકામાં છુપાતો ફરતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter