સેક્રામેન્ટોઃ ખાલિસ્તાનીઓનો ઉગ્ર વિરોધ કરવા માટે જાણીતા શીખ અગ્રણી સુખી ચહલનું અમેરિકાના કેલિફોર્નિયામાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. સુખી ચહલ અમેરિકામાં જ રહીને બિઝનેસ કરતા હતા. તેઓ અવારનવાર ખાલિસ્તાનના વિરોધમાં ટિપ્પણીઓ કરતા રહેતા હતા. જાણકારોનું કહેવું છે કે તેઓ અમેરિકામાં વસતાં ખાલિસ્તાનીઓ માટે માથાના દુખાવારૂપ બની રહ્યા હતા.
સુખીના મિત્ર જસપાલ સિંહે જણાવ્યું કે સુખી ચહલને શનિવારે તેમના એક પરિચિત શખ્સે ડિનર પર બોલાવ્યા હતા. જમ્યા બાદ તેમની તબિયત ખરાબ થઈ અને સ્થળ પર જ તેમનું મોત થયું હતું. તેમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ જ સમસ્યા નહોતી. તેથી તેમના ઓચિંતા મોતથી ઘણા સવાલો ઊઠી રહ્યા છે. વિદેશોમાં ખાલિસ્તાનીઓની પ્રવૃત્તિઓ વિરુદ્ધ સુખી ઘણી વાર મોરચો માંડતા જોવા મળતા હતા. વોશિંગ્ટનમાં ખાલિસ્તાની સંગઠનોના જનમત સંગ્રહ પૂર્વે તેમના અચાનક મોતથી ઘણા રહસ્યો ઘેરાયા છે.