વોશિંગ્ટનઃ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ભારતીય-અમેરિકન ગીતા રાવ ગુપ્તાને વિદેશ મંત્રાલયમાં મહિલાઓને સંબંધિત વૈશ્વિક મુદ્દાઓ માટે એમ્બેસેડર એટ લાર્જ પદ પર શપથ લેવડાવ્યા છે. આ વર્ષે મે મહિનામાં અમેરિકન સેનેટમાં થયેલા મતદાનમાં ગીતાએ 47 વિરુદ્ધ 51 મત હાંસલ કર્યા હતાં. આ પછી તેમના નામ પર મહોર લગાવાઇ હતી. ગીતા ગુપ્તાના શપથગ્રહણ સમારોહમાં અન્ય લોકોની સાથે તેમના પતિ અરવિંદ ગુપ્તા, પુત્રી નયના ગુપ્તા, મંજુલી મહેશ્વરી સહિતના સ્વજનો ઉપસ્થિત રહ્યા હતાં. અત્યાર સુધી ગીતા રાવ યુવતીઓ અને મહિલાઓ માટેના કાર્યક્રમનાં કાર્યકારી નિર્દેશક તથા યુનાઇટેડ નેશન્સ ફાઉન્ડેશનમાં વરિષ્ઠ સભ્ય હતાં. ગીતાએ યુનિસેફ ઉપરાંત બિલ ગેટ્સના ફાઉન્ડેશનમાં પણ કામ કરેલું છે. આ અગાઉ તેણી વોશિંગ્ટન ડીસીમાં મહિલાઓ અને યુવતીઓને સશક્ત બનાવવા કામ કરતા હતાં.