ગુજરાતી રિશિ શાહ અમેરિકામાં બિલિયોનેર બિઝનેસમેન

Friday 16th June 2017 10:03 EDT
 
 

હ્યુસ્ટન: અમેરિકામાં રહેતો મૂળ ગુજરાતી રિશિ શાહ ટેક્નોલોજી ક્ષેત્રે જાત મહેનતે સૌથી યુવાન બિલિયોનેર બની ગયો છે. તેની બિઝનેસ પાર્ટનર શ્રદ્ધા અગ્રવાલ પણ જાણે બિલિયોનેર બનવાની દિશામાં તેની સાથે સ્પર્ધા કરી રહી છે. આ બન્નેએ મળીને વર્ષ ૨૦૦૬માં શિકાગોમાં આઉટકમ હેલ્થ નામની હેલ્થકેર ટેક્નોલોજી કંપની સ્થાપી હતી. તાજેતરમાં આ કંપનીમાં એક વેન્ચર કેપિટલ ફંડે ૬૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું છે, જેને પગલે રિશિ અને શ્રદ્ધા બન્નેની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. હવે આ કંપનીનું મૂલ્ય ૫.૬ અબજ ડોલર થઈ ગયું છે.

મૂળ ગુજરાતી ડોક્ટરના પુત્ર રિશિ શાહનું બાળપણ શિકાગોના ઓક બ્રૂક વિસ્તારમાં વિત્યું હતું. રિશિના પિતા વર્ષો પહેલાં શિકાગો સ્થાયી થયા હતા. તેની માતા ક્લિનિકનું સંચાલન કરતા હતા. ડોક્ટરની ઓફિસોમાં કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનો આ કંપનીનો વિચાર હતો. રિશિએ કહ્યું કે ‘મારી બહેનને ટાઈપ-૧ ડાયાબીટિસ છે. તે ઈન્સ્યુલીન પંપ લે અને તેનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે તો તે ડિવાઈસના ઉત્પાદકને ફાયદો છે, ઈન્સ્યુલીન ઉત્પાદકને ફાયદો છે, બ્લડ ગ્લુકોમીટર બનાવનારને ફાયદો છે, ડોક્ટરને ફાયદો છે અને સૌથી વધારે દર્દીને ફાયદો છે.’

રિશિ સૌપ્રથમ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં ટ્રાન્સફર સ્ટુડન્ટ તરીકે ગયો ત્યારે શ્રદ્ધા અગ્રવાલ સાથે તેને સૌપ્રથમ પરિચય થયો હતો. બન્ને શરૂઆતમાં કેમ્પસના મેગેઝિન માટે કામ કરતા હતા. એ પછી તેમણે ૨૦૦૮માં કોન્ટેક્સ્ટ મીડિયા નામની કંપની સ્થાપી હતી. તેમણે તબક્કાવાર ૩૨.૫ કરોડ ડોલરની જંગી લોન લીધી. જોકે આ માટે તેમણે ઈક્વિટી ન આપી. મતલબ કે માલિકી તેમની પાસે જ રાખી. કંપની મોટાભાગની આવક વીમા કંપનીઓ, ડ્રગ ઉત્પાદકો, હેલ્થકેર માર્કેટિંગ કંપનીઓ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી મેળવે છે.

કેટલાક ડોક્ટરોને તેમના ક્લિનિકમાં ડિજિટલ એજ્યુકેશનનું મૂલ્ય ન સમજાયું. અન્ય ડોક્ટરોને તેમાં દમ લાગ્યો. પ્રથમ વર્ષે તે બન્ને માંડ ૧૦ લાખ ડોલર ભેગા કરી શક્યા. જોકે ત્યાર પછીથી દરેક વર્ષે તેમણે બમણું ફંડ મેળવ્યું. રિશિએ કહ્યું કે ‘અમારે એક નફાકારક બિઝનેસ ઊભો કરવો હતો. કમ સે કમ બ્રેક-ઈવન થઈ જાય તેવો બિઝનેસ તો કરવો જ હતો. આઉટકમ હેલ્થ એ નવા વિચાર સાથેની કંપની છે, એટલું જ નહીં, ગયા સપ્તાહે આ કંપનીને ૧ અબજ ડોલરથી વધુ મૂલ્યની ૨૦૦ જેટલી ખાનગી કંપનીઓની યાદીમાં ટોપ-૩૦માં સ્થાન મળ્યું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter