વોશિંગ્ટનઃ અમેરિકામાં લાંબા સમયથી ગેરકાયદે વસાહતી વિરુદ્ધનો માહોલ છે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદથી મામલો વધુ ગરમાયો છે. હવે નાગરિકો પણ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી તગેડવા સહકાર આપી રહ્યા છે. તાજેતરમાં વ્હાઈટ હાઉસ નજીક નેશનલ ગાર્ડના બે જવાનને ગોળી મારવાની ઘટના બાદ આઈહાડો સ્ટેટના ઇગલ શહેરના ‘ઓલ્ડ સ્ટેટ સલૂન’ બારે અનોખી ઓફર મૂકી છે. બાર દ્વારા ગેરકાયદે વસાહતીઓને પકડાવી દેશમાંથી કઢાવનારને એક મહિના સુધી પીવો હોય એટલો બીયર મફત પીવાની જાહેરાત કરાઈ છે. બારની આ ઓફર સોશિયલ મીડિયા એક્સ પર જોતજોતામાં વાઈરલ થઈ હતી. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટની પણ તેના પર નજર પડતાં તેણે કમેન્ટમાં 1990ના દાયકાના અમેરિકાના મશહૂર ટીવી શો ‘ડાયનાસોર'ના મુખ્ય પાત્ર અર્લ સિક્લેયરને આશ્ચર્ય સાથે તેની મોટી આંખો ખોલતું દેખાડયું છે અને તેના હાથમાંથી ગ્લાસ પડી જાય છે.


