ગેરહાજરીમાં કેસ ચલાવી નાંખ્યો, બચાવની તક પણ મળી નહીંઃ રજત ગુપ્તા

Thursday 04th April 2019 07:30 EDT
 
 

ન્યૂ યોર્ક: ઈનસાઇડર ટ્રેડિંગના આરોપમાં ૧૯ મહિના જેલની સજા ભોગવનાર ગોલ્ડમેન શાસના પૂર્વ ડિરેક્ટર રજત ગુપ્તાએ ૨૭મી માર્ચે પહેલી વાર મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, ન્યૂ યોર્કના પૂર્વ એટર્ની ભારતીય અમેરિકન પ્રીત ભરારાએ કેસને ઉલઝાવી નાંખ્યો છે. ૭૦ વર્ષીય રજત ગુપ્તાએ જણાવ્યું કે, તેમની વિરુદ્ધ ઇનસાઇડર ટ્રેડિંગનો કેસ ન્યૂ યોર્કના દક્ષિણ જિલ્લાના તત્કાલીન એટર્ની પ્રીત ભરારાએ લડ્યો હતો. ગુપ્તાએ ભરારા પર ખોટું બોલવા, જીત મેળવવા મામલાને વધારીને અને તોડી મરોડીને રજૂ કરવાનો આરોપ મૂક્યો છે.

રજત ગુપ્તાએ કહ્યું કે, રાજારત્નમના ટ્રાયલમાં તેમની ગેરહાજરીમાં કેસ ચલાવાયો હતો અને બચાવની તક પણ અપાઈ નહોતી. રાજારત્નમના ગેલિયન ઇન્ટરનેશનલ ફંડમાં ૧૫ ટકા હિસ્સો ધરાવતા ગુપ્તાએ પોતાના ફાયદા માટે સૂચના લીક કરી હોવાનો આરોપ તેમની પર મુકાયો હતો, પરંતુ તેમણે સ્પષ્ટતા આપી દીધી છે કે તેમની પાસે હેઝ ફંડનો એક પણ શેર નથી. તમામ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ તથા બેંક ખાતાને પણ ચકાસવામાં આવ્યા હતા. જેમાં કોઈ ગરબડ નથી.

તેમણે જણાવ્યું કે, મારી વિરુદ્ધ કેસ મજબૂત કરવા ગોલ્ડમેન શાસના સીઈઓ લોયડ બ્લેકફિન અને અન્ય સાક્ષીઓને પણ તૈયાર કરાયા હતા.

રજત ગુપ્તાએ કહ્યું કે, અમેરિકી ફેડરલ જેલમાં તેમની સાથે અત્યંત ખરાબ વ્યવહાર થતો હતો. તેમને અનેક સપ્તાહો સુધી એકાંતવાસમાં રખાયા હતા. વર્ષ ૨૦૧૨માં ગોલ્ડમેન શાસના બોર્ડરૂમ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ગેલિયન નામના હેઝ ફંડના ફાઉન્ડર રાજ રાજારત્નમને લીક કરવા માટે રજત ગુપ્તાને દોષિત પુરવાર કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter