ગેસ સ્ટેશન પર લૂંટમાં ભારતવંશી ઠાર

Tuesday 24th January 2023 11:52 EST
 
 

ફીલાડેલ્ફીઆઃ ઉત્તરપૂર્વ ફીલાડેલ્ફીઆના ટાકોની ખાતે મુખ્ય કોમર્શિયલ સ્ટ્રીટ પર આવેલા ગેસ સ્ટેશનના 66 વર્ષીય ભારતવંશી કર્મચારી પેટ્રો શિબોરામને સશસ્ત્ર લૂંટ દરમિયાન ઠાર કરવામાં આવ્યા હતા. મંગળવાર 17 જાન્યુઆરીની આ ઘટનામાં પોલીસ ત્રણ લૂંટારાની તપાસ કરી રહી છે.

ફીલાડેલ્ફીઆના ટાકોની ખાતે મુખ્ય કોમર્શિયલ સ્ટ્રીટ પર ટોરેસડેલ એવન્યુસ્થિત એક્સોન ગેસ સ્ટેશન પર સશસ્ત્ર લૂંટની ઘટનામાં લૂંટારાઓએ ગેસ સ્ટેશનના કર્મચારી પેટ્રો શિબોરામને ઠાર માર્યા હતા. ફીલાડેલ્ફીઆ પોલીસે જારી કરેલા સર્વેલન્સ વીડિયોમાં ત્રણ શકમંદ જોવા મળે છે. આ શકમંદોએ તેમના ચહેરા ઢાંકેલા હતા અને તેમણે 66 વર્ષના ભારતીય મૂળના કર્મચારી પેટ્રો શિબોરામને ગોળી મારી ઠાર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ચહેરો ઢાંકેલી ત્રણ વ્યક્તિઓ ગેસ સ્ટેશનના મિનિ માર્ટમાં પ્રવેશી હતી અને પાછળના ભાગે સ્ટોરક્લાર્ક પેટ્રો કામ કરતા હતા ત્યાં ઘૂસી હતી. લૂંટારાઓએ પેટ્રો પર હુમલો કરી તેમને પીઠ પાછળ ગોળી મારી ઠાર કર્યા હતા અને કેશ રજિસ્ટર સાથે નાસી છૂટ્યા હતા. પેટ્રોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પેટ્રો ભારતથી આવ્યા હતા અને થોડા સમય પહેલા જ વિદેશના પ્રવાસેથી પરત થયા હતા. તેઓ તેમની પાછળ પત્ની અને પુત્રને છોડી ગયા છે. પડોશીઓએ પેટ્રોના મદદગાર સ્વભાવના વખાણ કર્યા હતા અને તેઓ દરેક કસ્ટમરને ઓળખતા હોવાનું પણ જણાવ્યું હતું. પેટ્રો આ વિસ્તારમાં વધી રહેલા અપરાધો બાબતે પણ ચિંતિત હતા. એક્સોન ગેસ સ્ટેશનના મેનેજરે સિક્યુરિટી દરવાજાઓ ઉમેરવા તેમજ કામના ચોક્કસ કલાકો દરમિયાન માત્ર વિન્ડો સર્વિસ આપવાના પગલાંની વાત કરી હતી.

ફીલાડેલ્ફીઆમાં દરેક હત્યા અને તેને સજાના કેસમાં 20,000 ડોલરનું ઈનામ ઓફર કરાય છે. યુએસમાં પેટ્રોલ સ્ટેશનો પર કામ કરનારા ભારતીયો અને સાઉથ એશિયનોની સંખ્યા ઘણી છે. ગત સપ્ટેમ્બર મહિનામાં મિસિસિપીના ટુપેલો ખાતે પણ પેટ્રોલ સ્ટેશન પર ભારતીય મૂળના વ્યક્તિની હત્યા થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter