ગ્રીન કાર્ડ દ્વારા કાયમી વસવાટનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ

Friday 12th June 2026 12:36 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકન વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ તાજેતરમાં ભારતપ્રવાસ વેળા ખાતરી આપી હતી કે ફક્ત ભારતીયોને જ ટાર્ગેટ બનાવી વિઝામાં ફેરફાર નહીં કરાય, પણ તેમની જ રિપબ્લિકન પાર્ટીના સાંસદે આ ખાતરીથી વિપરિત ભારતીયોને જનોઈવઢ ઘા કરતો પ્રસ્તાવ યુએસ કોંગ્રેસમાં રજૂ કર્યો છે. તેમાં ગ્રીન કાર્ડ રુટ થકી કાયમી વસવાટનો માર્ગ બંધ કરવો, એચ-1બી વિઝાની સમયમર્યાદા છ વર્ષથી ઘટાડી બે વર્ષ કરવી અને વિદેશી વિદ્યાર્થીઓને જોબ કરવા માટે અપાતી છૂટને બંધ કરવાનો સમાવેશ થાય છે. આ બિલની સૌથી વધુ અસર ભારતીયો પર પડવાની છે.
રિપબ્લિકન ચિપ રોયે જણાવ્યું હતું કે લગભગ 40 વર્ષથી એચ-1બી વિઝાનો દૂરુપયોગ થઈ રહ્યો છે. કંપનીઓ સસ્તા વિદેશી કામદારની તરફેણ કરીને અમેરિકન કામદારોને નોકરી પરથી દૂર કરે છે. આ બધાને તે પાછું સામૂહિક છટણીનું રૂપાળુ નામ આપે છે અને આ રીતે વેતનવૃદ્ધિ દબાવાય છે. કટ્ટરવાદી રિપબ્લિકન સાંસદ ચિપ રોયે જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આ લોટરી આધારિત પાઇપલાઇનનો અંત લાવવામાં આવે અને તેના સ્થાને મેરિટને અગ્રતા અપાય, જેના આધારે વાસ્તવિક વેતન ધોરણો નક્કી થાય તથા અમેરિક-વ્હાઇટ કોલર વર્કર્સને અગ્રતા અપાય. આ પ્રસ્તાવને તે ટ્રમ્પની અમેરિકા અને અમેરિકન ફર્સ્ટની નીતિને એકદમ અનુકૂળ માને છે.
આ બિલને અમેરિકન ટેક વર્કરો, ધ ઇમિગ્રેશન એકાઉન્ટેબિલિટી પ્રોજેક્ટ અને ધ ફેડરેશન ઓફ અમેરિકન ઇમિગ્રેશન રિફોર્મનું સમર્થન છે. આ કાયદો ટ્રમ્પ હવે નિયમો ચુસ્ત બનાવીને કાયદેસરના માઇગ્રેશન પ્રોગ્રામો પર તૂટી પડયા છે ત્યારે આવ્યો છે. તેમાં પણ ઊંચા વેતનવાળા એચ-1બી વિઝાધારકને જ અગ્રતા અપાઇ છે અને નવા અરજદારો પર એક લાખ ડોલરની ફી લાદવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter