ગ્રીન કાર્ડ લેવા હવે અમેરિકા છોડવું પડશેઃ ટ્રમ્પ તંત્રનું નવું ફરમાન

Wednesday 27th May 2026 07:11 EDT
 
 

વોશિંગ્ટનઃ ઇમિગ્રેશન મામલે વધુ આકરો અભિગમ અપનાવનાર ટ્રમ્પ તંત્રે ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા લોકો માટે નવું તઘલખી ફરમાન જારી કર્યું છે. આ નિયમ અંતર્ગત ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા વિદેશી વસાહતીએ હવે અમેરિકા છોડી પોતાના દેશમાં જવું પડશે અને ત્યાંથી જ ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. નવા નિર્ણયથી કાયમી વસવાટ માટે વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં હજારો ભારતીયોની મુશ્કેલીમાં વધારો થશે.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ) દ્વારા જારી નવી ગાઇડલાઇન અનુસાર, ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા અરજદારોએ આ પ્રક્રિયા દરમિયાન અમેરિકામાં રહેવાને બદલે તેમના દેશમાંથી અરજી કરવાની રહેશે. નવી નીતિથી, અમેરિકામાં વસતાં અને દેશ છોડ્યાં વગર કાયમી નાગરિકત્વ મેળવવાની રાહ જોઈને બેઠેલાં હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, H-1B પ્રોફેશનલ્સ તથા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થશે.
હોમ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, દેશમાં હંગામી ધોરણે વસતાં અને ગ્રીન કાર્ડ ઈચ્છતા વિદેશી નાગરિકે, ફરજિયાત પોતાના દેશમાં પરત જઈ અરજી કરવાની રહેશે. નવી નીતિને પગલે વિઝાની મુદ્દત પૂરી થયાં પછી પણ ગ્રીન કાર્ડ માટે અમેરિકામાં રહેતાં વિદેશીઓના ઓવરસ્ટેમાં ઘટાડો થશે.
12 લાખ ભારતીયોનાં ભાવિ સામે સંકટ
નાણાં વર્ષ 2023-24 દરમિયાન ભારતમાં જન્મેલાં 49,700 ઇમિગ્રન્ટ્સ ગ્રીન કાર્ડની પ્રક્રિયાના માધ્યમથી અમેરિકાના સિટિઝન બન્યાં હતાં, જેમાં ભારતીયોનો હિસ્સો 6.1 ટકા હતો. નવી નીતિનો વિરોધ કરતાં અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેનના પૂર્વ સલાહકાર અજય ભુટોરિયાએ જણાવ્યું હતું કે, નવી નીતિને કારણે 12 લાખથી વધુ ભારતીય અમેરિકનો અને તેમના પરિવારોનું ભાવિ સંકટમાં મુકાઈ જશે. તેમણે જણાવ્યું હતું કે, આ નવી નીતિને અનેક સમુદાયો કોર્ટમાં પડકારશે.
H-1B વિઝા રજિસ્ટ્રેશનમાં 38.5 ટકાનો ઘટાડો
ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા તથા ઊંચુ વેતન ધરાવતાં લોકોને અગ્રતા આપવાની અને H-1B વિઝાનો દુરૂપયોગ રોકવાની અમેરિકાની નીતિને પગલે વર્ષ 2026-27માં H-1B વિઝાના રજિસ્ટ્રેશનમાં 38.5 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. યુએસસીઆઈએસના જણાવ્યા અનુસાર, દેશના અર્થતંત્રમાં અસરકારક યોગદાન આપી શકે તેવા લોકોને આ વર્ષે વિઝા ફાળવણીમાં પ્રાથમિકતા અપાઈ છે. તાજેતરના વર્ષોમાં જારી કુલ H-1B વિઝામાં ભારતીયોનો હિસ્સો અંદાજે 71 ટકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter