હ્યુસ્ટન તા. ૮ઃ ફોર્ટ વર્થ ગેસ સ્ટેશન પર ગયા શુક્રવારે રાત્રે એક ભારતીય વિદ્યાર્થીની થયેલી હત્યાના કેસમાં પોલીસે 23 વર્ષના ટેક્સાસના યુવાનની ધરપકડ કરી છે. શંકાસ્પદ આરોપીએ કથિત રીતે 28 વર્ષીય ચંદ્રશેખર પોલેની હત્યા કરી હતી. હત્યા વખતે પોલે ગેસ સ્ટેશન પર પાર્ટ ટાઈમ શિફ્ટમાં નોકરી કરી રહ્યો હતો. હત્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે પ્રયાસ શરુ કર્યા હતા. પોલીસના અનુસાર શંકાસ્પદની ઓળખ ટેક્સાસના નોર્થ રિચમંડ હિલ્સ વિસ્તારના રહેવાસી રિચાર્ડ ફ્લોરેઝ તરીકે થઈ છે. ફ્લોરેઝે ઈસ્ટચેઝ પાર્કવે પર આવેલા ગેસસ્ટેશન પર ચંદ્રશેખર પોલેને ગોળી મારી હતી અને ગોળીબાર કર્યા બાદ તે ત્યાંથી ભાગી છૂટયો હતો. રસ્તામાં તેણે લગભગ એક માઈલ દૂર એક અન્ય વાહન પર પણ ફાયરિંગ કર્યુ હતું.