છ ભારતીય કોલ સેન્ટર સામે ૫.૪૨ મિલિયન ડોલરની ઠગાઈનો કેસ

Tuesday 15th February 2022 15:45 EST
 

ન્યુયોર્કઃ ભારતીય કોલ સેન્ટરોથી ફોન કોલ કરીને સંખ્યાબંધ અમેરિકન વૃદ્ધો પાસેથી લગભગ ૫.૪૨ મિલિયન ડોલરની ઉચાપતના મામલે અમેરિકામાં પ્રથમ વખત ઠગાઈનો કેસ નોંધાયો હતો. તપાસ એજન્સીઓએ લાંબી તપાસ બાદ ભારતમાં સંચાલિત છ કોલ સેન્ટરો સામે કેસ ચલાવ્યો હતો. જ્યોર્જિયાના ડિસ્ટ્રિક્ટ એટર્ની કર્ટ એરસ્કાઇને જણાવ્યું હતું કે ફેક કૉલ દ્વારા વૃદ્ધોની જીવનભરની કમાણી ઝૂંટવી લેવામાં આવી હતી. ફેક રોબોકોલથી પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા અનેક વૃદ્ધો ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. અનેક વૃદ્ધોની પેન્શનની રકમ પણ પડાવી લેવાઈ. અનેક વખત તેમને ડરાવી - ધમકાવી વસૂલી કરાતી હતી. ૨૦૧૮માં આ ઘટનાઓ સામે આવી હતી. એટર્ની અરેસ્કાઈએ કોર્ટને જણાવ્યું કે આ રીતે કોલ સેન્ટરના ફ્રોડથી અનેક અમેરિકનોમાં ભારત અને ભારતીયો વિશે ખોટી છાપ ઉભી થઈ છે.

તેઓ ભારતીય કોલ સેન્ટરોથી ફોન કોલ કરતા હતા. તેઓ પોતાને ફાઈનાન્સ કંપનીનો કર્મચારી બતાવી લોનની ઓફર કરતો. તેના પહેલા કોલર પીડિતને લોન ચૂકવવાની ક્ષમતા સાબિત કરવા માટે ફી જમા કરવા કહેતો હતો. તેના માટે કોલર પીડિતનો બેન્ક એકાઉન્ટ નંબર પૂછતો. પીડિતને વાયર ટ્રાન્સફર કરવા કે ગિફ્ટ કાર્ડથી ફંડને કોલર દ્વારા જણાવેલા એકાઉન્ટમાં નાખવા કહેવાતું. તે પ્રક્રિયા પૂરી થતાં જ પીડિતના એકાઉન્ટમાંથી તેની સંપૂર્ણ રકમ ઉપાડી લેવાતી હતી. 

આ છેતરપિંડીને ગણતરીની મિનિટોમાં જ અંજામ અપાતો હતો. કોલ સેન્ટરો દ્વારા કોલ કરનારા અમેરિકી ઉચ્ચારથી સડસડાટ અંગ્રેજી બોલતા હતા. તે પોતાને સરકારી કર્મચારી, ટેક્સ અધિકારી બતાવી પીડિત પાસેથી તેનો સોશિયલ સિક્યોરિટી નંબર માગતા હતા. સાથે જ એકાઉન્ટની વિગતો મેળવી ટેક્સ તરીકે રકમ ભરવા કહેતા હતા. ટેક્સ તરીકે મોટી રકમ ન ભરવાની સ્થિતિમાં પીડિતને કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter