જૂના વિવાદમાં ભૂતપૂર્વ કર્મચારીએ શીખ પરિવારના ચાર સભ્યોનો જીવ લીધો

Thursday 13th October 2022 12:59 EDT
 
 

લોસ એન્જલસ: કેલિફોર્નિયામાંથી અપહરણ કરાયેલા શીખ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. આ ચારેય સભ્યોનું વીતેલા સપ્તાહે અપહરણ કરાયું હતું. મૃતકોના પરિવારજનો પંજાબના હોંશિયારપુરના હરસી પીંડમાં રહે છે. આ ચારેયનું અપહરણ કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી કરાયું હતું. તેમણે તાજેતરમાં જ પોતાનો નવો ટ્રકિંગ બિઝનેસ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીના એક ભૂતપૂર્વ કર્મચારીએ અગાઉ થયેલા વિવાદનો બદલો લેવા આ હિચકારું કૃત્ય આચર્યું હતું.
મર્સિડ કાઉન્ટીના શેરીફ વર્ન વાર્નકે જણાવ્યું હતું કે 36 વર્ષીય જસદીપ સિંહ, 27 વર્ષીય જસલીન કૌર, તેમની આઠ માસની દીકરી આરોહી અને આ બાળકીના કાકા 39 વર્ષીય અમનદીપ સિંહના મૃતદેહો પાંચમી ઓક્ટોબરે સાંજે મળી આવ્યા હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને આ જ વાતનો ડર હતો અને આખરે એ જ થયું.
વાર્નકે જણાવ્યું હતું કે ભારતવંશી શીખ પરિવારના હત્યારા જિસસ મેનુઅલ સાલ્ગૈડાનો તેમની સાથે જૂનો વિવાદ હતો. જિસસ આ શીખ પરિવારનો પૂર્વ કર્મચારી હતો અને જૂના વિવાદનું ખતરનાક પરિણામ આવ્યું છે. પરિવારના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જિસસ એક જૂનો કર્મચારી હતો, જે પીડિત પરિવારની કંપનીની ગાડી ચલાવતો હતો. આરોપી જિસસ કંપનીથી જુદો પડ્યા બાદ લગભગ એક વર્ષ પહેલા સુધી ગુસ્સામાં મેસેજ અને ઇમેઇલ મોકલતો હતો. શેરિફે કહ્યું કે, મને ખાતરી છે કે તેની સાથે બીજું કોઈ પણ હતું, જેણે જિસસને મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મૃતદેહો મળી આવ્યાના બીજા દિવસ છઠ્ઠી ઓક્ટોબરે જિસસ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે શીખ પરિવાર ટ્રકિંગ કંપનીની ઓફિસમાંથી કંઇ પણ ચોરી થયું નથી. જોકે પરિવારજનોએ અપહરણ સમયે જ્વેલરી પહેરેલી હતી. અપહરણકર્તા અને હત્યારાઓએ કોઇ ખંડણીની માંગ કરી ન હતી તેના પરથી લાગી રહ્યું છે કે આ અપહરણનો ઉદ્દેશ નાણા પડાવવાનો નહોતો. જિસસની અટકાયત બાદ તેમની આશંકા સાચી પુરવાર થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter