મુંબઈ,વોશિંગ્ટનઃ અમેરિકામાં વિસ્કોન્સિનના ઓશકોશ ખાતે આવલી એક્સપરિમેન્ટલ એરક્રાફ્ટ એસોસિએશન (EAA) ની મેમોરિયલ વોલ પર ભારતમાં હવાઇ સેવાનો પાયો નાખનાર સ્વ. જે આર ડી તાતાનું નામ લખાશે. જાણીતા એવિએટર્સ અને એસ્ટ્રોનોટ્સના નામ ધરાવતી આ મેમોરિયલ વોલ પર અત્યાર સુધીમાં ફક્ત એક જ ભારતીય વ્યક્તિ સ્વ. કલ્પના ચાવલાને સ્થાન મળ્યું છે. કલ્પના ચાવલા ભારતીય મૂળની પ્રથમ અમેરિકન અવકાશયાત્રી બનવાનો યશ ધરાવે છે.
ઇએએની ભારતીય શાખાના સેક્રેટરી કેપ્ટન એસ. સાબુએ જણાવ્યું હતું કે, આ વર્ષે આપણે જેઆરડી તાતાની પહેલી ફ્લાઇટની 90મી જયંતિ ઉજવી રહ્યાં છીએ. 31મી જુલાઇએ યોજાનારા સમારોહમાં જેઆરડી તાતાને સન્માન આપતાં મેમોરિયલ વોલ પર સ્થાન અપાશે. ઇએએ બે લાખ કરતાં વધુ સભ્યો ધરાવે છે અને ઓશકોશમાં દર વર્ષે વિશ્વનું સૌથી મોટું એવિએશન ગેધરિંગ યોજાય છે. આ સમારોહમાં મેમોરિયલ વોલ પર સ્થાન પામનારા નવા લોકોનું સન્માન કરાય છે.