જો બાઈડેને એચ-૧બી વિઝાના ટ્રમ્પના નિયમોને રદ કર્યાઃ લોટરી સિસ્ટમ યથાવત્

Tuesday 09th February 2021 14:22 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં બાઇડેન સરકારે એચ-૧બી વિઝા પર ટ્રમ્પ કાર્યકાળની નીતિઓને હાલ માટે ટાળી દીધી છે. આ સાથે જ વિઝા જારી કરનારી લોટરી સિસ્ટમને પણ ૩૧મી ડિસેમ્બર સુધી બરકરાર રાખવાની જાહેરાત કરી છે. એવી શક્યતાઓ છે કે બાઇડેન સરકારના આ પગલાંથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને રાહત મળી શકે છે. ભારતીયોમાં એચ-૧બી વિઝા બહુ પ્રખ્યાત માનવામાં આવે છે. સાતમી જાન્યુઆરીએ ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝાને લઇને નવી નીતિઓનું એલાન કર્યું હતું. જે અંતર્ગત વર્તમાન લોટરી સિસ્ટમને ખતમ કરવાની સાથે સાથે વેતન અને મેરિટ આધારિત વિઝાની જાહેરાત કરી હતી. ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે ટ્રમ્પના આ પગલાંથી ભારતીયોને ભારે નુકસાન થઇ શકે છે. જોકે અમેરિકી નાગરિક્તા તેમજ ઇમિગ્રેશન સેવાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ટ્રમ્પ કાળના નવા નિયમોને ૩૧મી ડિસેમ્બર ૨૦૨૧ સુધી મુલતવી રાખવામાં આવે છે એટલે કે આ નિયમો હાલ લાગુ નહીં થાય. તેની જગ્યાએ અગાઉની જૂની લોટરી સિસ્ટમ લાગુ કરાશે જે વિઝા મેળવવામાં સરળ પણ માનવામાં આવે છે. તેથી ભારતીયોને તેનાથી ફાયદો થઇ શકે તેમ છે. ટ્રમ્પે જે નિયમો ઘડયા હતા તે માર્ચ, ૨૦૨૧થી લાગુ કરવાના હતા.
ઇમિગ્રેશન નીતિ રદ થવાથી ભારતીયોને ફાયદો
બાઇડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પોલીસી અંગે લીધેલા આકરા નિર્ણયો રદ કરતાં આ માટેના ત્રણ ઇમિગ્રેશન ઓર્ડર્સ પર સહી કરતાં જણાવ્યું હતું કે, કાયદાકીય ઇમિગ્રેશન પ્રણાલિ યોગ્ય, વ્યવસ્થિત અને માનવીય હોવી જોઈએ. ટ્રમ્પની આકરી ઇમિગ્રેશન પોલીસીના લીધે કુટુંબો પાસેથી બાળકો છીનવી લેવા પડયા હતા.
વર્તમાન નીતિઓની સમીક્ષા અને વિવિધ ફેડરલ એજન્સીઓ દ્વારા ૬૦થી ૧૮૦ દિવસની કરાયેલી ભલામણોના લીધે અમેરિકન નાગરિકત્વનું સ્વપ્ન સેવતા હજારો ભારતીય વ્યવસાયિકોને ફાયદો થયો છે. બાઇડેને જણાવ્યું કે, હું નવો કાયદો બનાવતો નથી, પરંતુ જૂનો કાયદો નાબૂદ કરું છું. બાઇડેને વ્હાઇટ હાઉસમાં બેઠાં પછી ઢગલાબંધ એક્ઝિક્યુટિવ ઓર્ડરો પર સહી કરી છે. આપણે યોગ્ય, વ્યવસ્થિત અને માનવીય કાયદાકીય ઇમિગ્રેશન પોલીસી દ્વારા અમેરિકાને વધારે સલામત, મજબૂત અને વધારે સમૃદ્ધ બનાવી શકીશું.
તેમણે જણાવ્યું હતું કે, એક્ઝિક્યુટિવ ઓર્ડરોનું ધ્યેય ઇમિગ્રેશન સિસ્ટમને વધારે મજબૂત બનાવવાનું છે. તેમણે કહ્યું હતું કે, અમુક દેશોના મુસ્લિમોના આગમન પર પ્રતિબંધ દૂર કરવો, અમેરિકાનું સ્વપ્ન સેવનારાઓને બચાવવા તે તેમની હોદ્દો સંભાળ્યાના પહેલા દિવસની જ નેમ છે. તેઓ આના આધારે દેશની છાપ પણ સુધારવા માગે છે.
તેમણે તેમના ત્રણ એક્ઝિક્યુટિવ ઓર્ડરોમાંના એકમાં જણાવ્યું હતું કે, સંઘીય સરકાર જોડાણ, સમાવેશ અને નાગરિકતાને વેગ આપવા માટે આવકારની વ્યૂહરચના ઘડશે અને આ રીતે નવા અમેરિકનોને આપણી લોકશાહીમાં સમાવી શકાશે. તેમણે કહ્યું હતું કે, અમારે પહેલું કાર્ય તો અગાઉના વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય શરમ બની ગયેલું કાર્ય ખતમ કરવાનું છે. તેમાં કુટુંબો પાસેથી બાળકોને તેમની માતાઓના હાથમાંથી છીનવી લેવાયા હતા. કોઈ પણ પ્રકારના આયોજન વગર આ પગલું ભરાયું હતું. તેથી કસ્ટડીમાં રહેલા આવા બાળકો અને માબાપનું રિયુનિયન જરૂરી છે.
કુટુંબોનું રિયુનિયન કરાશે
પહેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં તેમણે ટાસ્ક ફોર્સ રચી હતી. જેનું ધ્યેય અગાઉના વહીવટી તંત્રના પગલાંના લીધે વિભાજિત થયેલા કુટુંબોના રિયુનિયનનું છે. તેના અધ્યક્ષ પદે હોમ લેન્ડ સિક્યોરિટીના સચિવ બેસશે. ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવા ટ્રમ્પ વહીવટી તંત્રએ અમેરિકા-મેક્સિકોની સરહદ વટાવીને આવેલા દસ્તાવેજો વગરના પુખ્તો અને તેમના બાળકોને અલગ કરી દીધા હતા. આ રીતે લગભગ ૫૫૦૦ કુટુંબો અલગ કરાયા હતા અને તેમના ૬૦૦થી વધુ બાળકોના માબાપને હજી સુધી શોધી શકાયા નથી, એમ યુએસ મીડિયા રિપોર્ટે જણાવ્યું હતું.
પ્રતિ દેશ ગ્રીન કાર્ડ ફાળવણી
બીજા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં સરહદો વટાવીને સ્થળાંતર કરનારાઓના મૂળમાં જવાની વ્યૂહરચના છે. તેમાં તેમને માનવીય આધારે આશ્રય આપવાની પ્રણાલિ છે. તેમાં હોમલેન્ડ સિક્યોરિટી વિભાગને માઇગ્રન્ટ પ્રોટેક્શન પ્રોટોક્લ પ્રોગ્રામનો અંત લાવવા જણાવાયું છે, જેથી ઉત્તરીય મેક્સિકોમાં માનવતાવાદી કટોકટી સર્જાઈ હતી. આ સિવાય પ્રતિ દેશ ગ્રીન કાર્ડ ફાળવણીના ક્વોટાની નાબૂદ કરતા બિલમાં પણ તેમણે સહી કરી હતી. તેના લીધે હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે. આ ઉપરાંત એચ-વનબી વિઝાધારકની પત્નીને નોકરી ન કરવા દેવાના ટ્રમ્પ વહીવટી તંત્રના અગાઉના નિર્ણયને પણ રદ કરાયો હતો. ભારતીય ઇમિગ્રન્ટ્સે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter