જ્ઞાનને નથી નડતા અંતરીક્ષના સીમાડા!

Sunday 14th February 2021 05:14 EST
 
 

વોશિંગ્ટનઃ જ્ઞાનને કોઇ સીમાડા નથી હોતા તેમ જ્ઞાનને કોઈ વય પણ હોતી નથી એ કહેવતને સાર્થક કરતા ઘણા ઉદાહરણો આપણે વારંવાર સાંભળતાં હોઈએ છીએ ત્યારે હવે મળો વિશ્વના સૌથી નાના વયના ખગોળશાસ્ત્રીઓને. મેસેચ્યુસેટ્સની હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ ૧૬ વર્ષના કાર્તિક પિંગલ અને ૧૮ વર્ષની જસ્મિન રાઇટે TESS સેટેલાઇટનો ઉપયોગ કરીને ૨૦૦ પ્રકાશવર્ષના અંતરે આવેલા ચાર એક્સોપ્લાનેટ શોધ્યા છે. આમાંના ત્રણ એક્સોપ્લાનેટ સબ-નેપ્ચૂન સ્તરના છે જ્યારે એક સુપર અર્થ સ્તરનો. આ બન્ને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ, હાર્વર્ડ એન્ડ સ્મિથસોનિયનના સ્ટુડન્ટ રિસર્ચ મેન્ટરિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બન્ને વિદ્યાર્થીઓએ ઈન્સ્ટિટયૂટ ફોર એસ્ટ્રોફિઝિક્સ એન્ડ સ્પેસ રિસર્ચમાં કામ કરતા તન્સુ ડેલાનની મદદ લઇને ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લાનેટ સર્વે સેટેલાઈટ (TESS) તરફથી ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ અને અભ્યાસ કરી ગ્રહ શોધી કાઢયા હતા. તેમણે સાથે મળીને ટેસ ઓબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ૧૨૩૩ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે જે સૂર્ય જેવો પ્રકાશિત તારો હતો, અને તેમને જણાયું હતું કે આ તારાની આસપાસ ચાર ગ્રહ ફરી રહ્યા છે.

ચાર ગ્રહનો જેકપોટ

કાર્તિક જણાવે છે કે અભ્યાસ દરમિયાન અમને ખ્યાલ આવ્યો હતો કે સમયાંતરે પ્રકાશમાં બદલાવ આવે છે. જેના આધારે સમજાયું કે જો કોઈ ગ્રહ તારા પાસે હોય તો અથવા તેની પાસેથી પસાર થાય તો તે સમયાંતરે તારાને ઢાંકી દે અને તેના કારણે પ્રકાશમાં ઘટાડો થઇ શકે. TESS સ્પેસમાં ફરતો એવો સેટેલાઇટ છે, જેણે ૨૦ હજાર કરતાં વધારે એક્સોપ્લાનેટ શોધ્યા છે. જેમાંના ઘણા તો પૃથ્વી જેવા છે. આ પછી ૧૨૩૩ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કાર્તિક અને જસ્ટીનને એક નવો ગ્રહ શોધવાની આશા ઊભી થઇ હતી. જોકે એક સાથે ચાર ગ્રહ મળી આવતાં બન્ને આનંદવિભોર થઇ ગયા હતા.
આ ગ્રહોનું નિરીક્ષણ કરતા હતા તે સમય દરમિયાન ટુકડીને જણાયું હતું કે ત્રણ ગ્રહ ૧૨૩૩ની આસપાસનું એક સર્કલ છ દિવસથી લઇને ૧૯.૫ દિવસની અંદર પૂરું કરતા હતા. જોકે ચોથો પ્લાનેટ કે જેને સુપર અર્થ એવું નામ અપાયું હતું તે ૧૨૩૩ની આસપાસનું એક સર્કલ ચાર દિવસની અંદર પૂરું કરી નાંખે છે.
તન્સુ ડેલાન કહે છે કે માનવજાત ઘણા લાંબા સમયથી સૌરમંડળની બહાર આવેલા અને મલ્ટિ-પ્લાનેટરી સિસ્ટમ સાથેના ગ્રહો વિશે વિચારતી રહી છે, આવા સમયે અમને જેકપોટ લાગ્યો હોય તેવી લાગણી થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter