જ્હાન્વી કંડુલાના પરિવારને રૂ. 262 કરોડ વળતર મળશે

કંડુલા પરિવાર કાનૂની જંગ તો જીત્યો, પણ પિતા જિંદગી સામેનો જંગ હાર્યા

Friday 20th February 2026 03:44 EST
 
 

સિએટલઃ અમેરિકાના સિએટલ શહેરમાં ભારતીય વિદ્યાર્થિની જ્હાનવી કંડુલાના દર્દનાક મોતના મામલામાં તંત્રે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સિએટલ સિટી એડમિન્સ્ટ્રેશને જ્હાન્વીના પરિવારને વળતર તરીકે 2.9 કરોડ ડોલર (આશરે 262 કરોડ રૂપિયા) આપવા સંમત થયું છે. 23 વર્ષીય જ્હાન્વીનું ગત વર્ષે પૂરપાટ ઝડપે આવતી પોલીસ પેટ્રોલિંગ કારની અડફેટે આવતા મોત થયું હતું, જે બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ અકસ્માત 23 જાન્યુઆરી 2023ના રોજ થયો હતો. આંધ્ર પ્રદેશની રહેવાસી જ્હાનવી કંડુલા નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી (સિએટલ કેમ્પસ)માં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી. તે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે પોલીસ અધિકારી કેવિન ડેવના વાહને તેને ટક્કર મારી હતી. રિપોર્ટ અનુસાર, જે વિસ્તારમાં ગતિમર્યાદા 40 કિમી પ્રતિ કલાક હતી, ત્યાં કેવિન પોતાની ગાડી 119 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવતો હતો. એવું જણાવાયું હતું કે તે ‘ડ્રગ ઓવરડોઝ’ના એક કોલ પર જઈ રહ્યો હતો.
સુનાવણી દરમિયાન અન્ય પોલીસ અધિકારી ડેનિયલ ઓડરરના બોડીકેમ ફૂટેજ જાહેર થતાં જ્હાન્વીના મોતનો મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વીડિયોમાં ઓડરર હસતાં હસતાં એવું કહેતા સંભળાતા હતા કે જ્હાન્વીના જીવનની બહુ કિંમત નહોતી અને તે માટે માત્ર એક ચેક લખી દેવો જોઈએ. આ અસંવેદનશીલ ટિપ્પણી બાદ વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. ભારતીય હાઇ કમિશને પણ આ મામલે તપાસની માંગ કરી હતી. એ પછી ઓડરરને નોકરીમાંથી કાઢી મૂકાયો છે. જોકે તેણે પોતાની બરતરફી સામે કેસ દાખલ કર્યો છે.
જોકે પિતા જિંદગીનો જંગ હાર્યા
જ્હાન્વીના પરિવારના વકીલે સેટલમેન્ટ કરાવીને રૂ. 262 કરોડ વળતર પેટે મંજૂર કરાવ્યા છે તે જ અરસામાં એક નવી ટ્રેજેડી સામે આવી છે. આ સેટલમેન્ટ જાહેર થાય તેના બરાબર બે દિવસ પહેલાં 10મી ફેબ્રુઆરીએ જ્હાન્વીના પિતા શ્રીકાંત કંડુલાનું હાર્ટએટેકથી મોત થયું હતું. શ્રીકાંત નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ હતા અને આંધ્રપ્રદેશના કુર્નુલમાં રહેતા હતા. જે દિવસે સેટલમેન્ટ થયું તેના બરાબર 12 કલાક પહેલાં જ જ્હાન્વીના પિતાની અંતિમ વિધિ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter