જ્હાન્વીને કારથી કચડી નાખનાર પોલીસ અધિકારી નિર્દોષઃ ભારતના ઉગ્ર વિરોધ

Sunday 03rd March 2024 08:21 EST
 
 

સિએટલઃ અમેરિકાના સિએટલમાં ભારતીય વિદ્યાર્થિની જ્હાન્વી કંડુલાને કારથી કચડી નાંખનારા પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મૂકવાના મુદ્દે ભારતીય દૂતાવાસે અમેરિકાના સત્તાવાળા ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પ્રોસિક્યુશન એટર્નીએ જણાવ્યું હતું કે પૂરતા પુરાવાને અભાવે પોલીસ અધિકારી સામે કોઈ ગુનાહિત આરોપો મૂકવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે 23 વર્ષની જ્હાન્વી કંડુલા મૂળ આંધ્ર પ્રદેશના હૈદરાબાદની હતી. ગયા વર્ષે 23 જાન્યુઆરીએ સિએટલમાં તે રસ્તો ઓળંગી રહી હતી, ત્યારે પોલીસ અધિકારી કેવિન ડેવે બેફામ કાર ચલાવીને તેને કચડી નાંખી હતી. કારની સ્પીડ પ્રતિકલાક 119 કિમીથી વધુની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જ્હાન્વી પોલીસ પેટ્રોલિંગ વાહન સાથે અથડાઈને 100 ફૂટ દૂર પટકાઈ હતી.
એટલું જ નહીં, અન્ય એક અધિકારીએ આ જીવલેણ અકસ્માતની હાંસી પણ ઉડાવી હતી અને ગુનાહિત તપાસની જરૂરિયાતને પણ ફગાવી દીધી હતી. 21 ફેબ્રુઆરીએ કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસે જણાવ્યું હતું કે ફોજદારી કેસ સાબિત કરવા માટે પુરાવાના અભાવને કારણે ડેવ સામે ફોજદારી આરોપો લગાવી શકાય નહીં. સિએટલમાં ભારતના દૂતાવાસે કહ્યું હતું કે તે આ કેસની તપાસ પર નજર રાખી રહ્યું છે તથા જ્હાન્વી કંડુલા અને તેના પરિવારને ન્યાય સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય સહયોગ આપશે. અમે યોગ્ય ઉકેલ માટે સિએટલ પોલીસ સહિત સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ આ બાબતને ભારપૂર્વક ઉઠાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter