લંડન
ભારતમાં મહત્વના સામાજિક પડકારોના ઉકેલ માટે નવા ટેકનોલોજીકલ સોલ્યૂસન્સ વિકસાવતા વૈજ્ઞાનિકોને સહાય કરવા ટાટા સન્સ અને ન્યૂયોર્ક એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ટાટા ટ્રાન્સફોર્મેશન પ્રાઇઝની જાહેરાત કરાઇ છે. દર વર્ષે ફૂડ સિક્યુરિટી, સસ્ટેનેબિલિટી અને હેલ્થકેરમાં નવા સંશોધન કરનારા 3 વૈજ્ઞાનિકને આ પુરસ્કાર એનાયત કરાશે. દર ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારા સમારોહમાં પુરસ્કાર વિજેતા દરેક વૈજ્ઞાનિકને રૂપિયા બે કરોડનો રોકડ પુરસ્કાર અપાશે.
ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રસેકરને જણાવ્યું હતું કે, ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા સફળ સંશોધન માટે પુરસ્કારની રકમમાં વધારો પણ કરાશે. અમને આશા છે કે આ પુરસ્કાર દ્વારા ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કરાતા સંશોધનોને વિશ્વ સમક્ષ રજૂ કરી શકાશે અને તેમને યોગ્ય પુરસ્કાર મળી શકશે. ટાટા ટ્રાન્સફોર્મેશન પ્રાઇઝ દ્વારા અમે ભારતની રાષ્ટ્રીય સમસ્યાઓનો ઉકેલ લાવવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી શકીશું. આ પુરસ્કાર માટે અરજકર્તા ડોક્ટરેટ અથવા તો સમકક્ષ ડિગ્રી ધરાવતો હોવો જોઇએ. અરજકર્તાએ ફૂડ સિક્યુરિટી અથવા તો હેલ્થકેર ક્ષેત્રે નવી ટેકનોલોજી રજૂ કરવાની રહેશે.
ન્યૂયોર્ક એકેડેમી ઓફ સાયન્સિઝના પ્રમુખ પ્રોફેસર નિકોલસ ડિર્ક્સે જણાવ્યું હતું કે, ભારતમાં ઘણા મહત્વના સંશોધનો થઇ રહ્યાં છે જેના કારણે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન આગેકૂચ કરી રહ્યું છે. આ પુરસ્કાર ફક્ત વિજ્ઞાન માટે નહીં પરંતુ સમાજની સુખાકારી માટે શરૂ કરવામાં આવી રહ્યો છે.