નવી દિલ્હી: વિશ્વભરની કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે, જેમાં સૌથી વધારે નુકસાન ભારતીયોને ઉઠાવવું પડે છે. જોકે સૌથી વધારે તકલીફ એવા ભારતીયોને થઇ રહી છે કે જેઓ અમેરિકામાં કામ કરી રહ્યા છે.
અમેરિકાની ટેક કંપનીઓએ રાતોરાત મોટાપાયે કર્મચારીઓને છૂટા કર્યા છે તેના પગલે આ દેશમાં અસ્થાયી વિઝા પર રહેતાં લોકો પાસે બીજી નોકરી શોધવા માટે ઘણો ઓછો સમય બચ્યો છે. આ સિવાય તેમની પાસે હવે એકમાત્ર વિકલ્પ એ રહે છે કે તેઓ અમેરિકા છોડી દે.
ઘણા ભારતીય કર્મચારીઓનો આરોપ છે કે તેમને એ કંપનીઓ તરફથી પૂરતું માર્ગદર્શન મળતું નથી જેમણે તેમના વિઝા સ્પોન્સર કર્યા હતા. નોંધનીય છે કે અમેરિકામાં ટેક કંપનીઓ વિદેશી નાગરિકોને નોકરી આપવા માટે H-1B વિઝા સ્પોન્સર કરે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના ડેટા અનુસાર એમેઝોન, લિફ્ટ, સેલ્સફોર્સ, સ્ટ્રાઇપ અને ટ્વિટરે પાછલા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા 45,000 એચ-1બી વર્કર્સને સ્પોન્સર કર્યા હતા.
60 દિવસમાં નોકરી શોધવી મુશ્કેલ
H-1B વિઝાધારકોને મુશ્કેલી એટલે છે કે તેમને નોકરી છોડયાને 60 દિવસની અંદર બીજી નોકરી ના મળે તો તેમણે અમેરિકા છોડી દેવું પડે. આથી આવા કર્મચારીએ 60 દિવસની અંદર એવી કંપનીમાં જોબ શોધી લેવી પડે જેઓ તેમને સ્પોન્સર કરી શકે. ઘણા ભારતીયોએ ગ્રીનકાર્ડ માટે પણ અરજી કરી દીધી છે અને તેમની અરજી સ્વીકારીને તેમની કેટેગરી પ્રમાણેની એક લાઇનમાં મૂકી દેવામાં આવે છે. કેટલીક કેટેગરીમાં વેઇટિંગ પિરિયડ 195 વર્ષ હોવાથી અમેરિકામાં વસવાટની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.