ટેક્સાસના ડેરી ફાર્મમાં આગઃ 18,000 ગાયોનાં મોત

Wednesday 19th April 2023 04:32 EDT
 
 

ઓસ્ટિન: ટેક્સાસમાં આવેલા ડેરી ફાર્મમાં ભયાનક આગ લાગતા 18 હજાર કરતાં વધુ ગાયોના દર્દનાક મોત થયા છે. આટલી મોટી સંખ્યામાં ગાયો ભડથું થઈ ગઈ હોવાની આ પહેલી ઘટના છે. આગ લાગવાના કારણની તપાસ હાથ ધરાઇ છે. ડેરી ફાર્મની મશીનરીમાં વિસ્ફોટ થતાં ઘાસચારો અને મિથેન ગેસથી આગ ફાટી નીકળી હોવાની શક્યતા છે. એક ગાયની અંદાજિત કિંમત પોણા બે લાખ રૂપિયા જેવી થતી હતી અને ડેરી ફાર્મ બળીને ખાક થઈ ગયું તેનો અંદાજ માંડવામાં આવે તો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એકાદ હજાર ગાયોને આગમાંથી બચાવવામાં આવી હતી ને ગંભીર રીતે દાઝેલા એક કર્મચારીને પણ રેસ્ક્યૂ ટીમે બચાવ્યો હતો.
ટેક્સાસ રાજ્યના પાટનગર ઓસ્ટિનથી 450 કિલોમીટર દૂર આવેલા કેસ્ટ્રો કાઉન્ટીના ડેરી ફાર્મમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ગાયોને દોહવા માટે વિશાળ ફાર્મમાં એક સાથે બાંધવામાં આવી હતી ત્યારે વિકરાળ આગ ફાટી નીકળી હતી. બાંધેલી ગાયો ભાગી શકી ન હતી અને 18,000 કરતાં વધુ ગાયોના દર્દનાક મૃત્યુ થયા હતા. ફાર્મની 90 ટકા ગાયોનું આગમાં મોત થયું હતું. બચેલી એકાદ હજાર ગાયોને રેસ્ક્યૂ ટીમે બચાવી લીધી હતી. એક કર્મચારી ગંભીર રીતે આગમાં સપડાઈને દાઝી ગયો હતો એને પણ બહાર કાઢીને સારવાર આપવામાં આવી હતી. એની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું હતું.
બોમ્બ વિસ્ફોટ જેવું દૃશ્ય
આ દુર્ઘટનામાં કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક ગાયની કિંમત લગભગ પોણા બે લાખ રૂપિયા (આશરે 2000 ડોલર) જેટલી થતી હતી. તે ઉપરાંત આખું ડેરી ફાર્મ રાખ થઈ ગયું છે. મોટા ભાગની ગાયો હોલસ્ટીન અને જર્સી પ્રકારની હતી. આગ લાગ્યા બાદ બોમ્બ વિસ્ફોટ થયો હોય એવું દૃશ્ય સર્જાયું હતું. આગની જ્વાળા આકાશને આંબતી હતી. આસપાસનો વિસ્તાર સુરક્ષાના કારણોથી તુરંત બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ટેક્સાસ રાજ્યના ગવર્નરે ફાયર સેફ્ટી વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કાઉન્ટીના નજીકના શહેર ડિમિટના મેયરે કહ્યું હતું કે અમેરિકામાં આગની ઘટનામાં એક સાથે આટલી મોટી સંખ્યામાં મોત થયા હોય એવી આ પહેલી ઘટના છે. આવી દુર્ઘટના અગાઉ ક્યારેય બની હોય એવું જોયું નથી. આ માનવામાં ન આવે એવી વાત છે. પેટાએ ટ્વિટ કરીને આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે જો આ ગાયોને ફેક્ટરી ફાર્મિંગમાં ઉછેરવામાં ન આવી હોત આ ઘટના બની ન હોત. ફાર્મિંગની સાથે પ્રોસેસિંગ પણ સાથે હોવાથી આ ઘટના બની હોવાનું કહેવાયું હતું.
સોશિયલ મીડિયામાં આ અંગેની ચર્ચા છેડાઈ હતી. છેલ્લાં એક જ દશકામાં ફાર્મમાં આગ લાગવાથી 65 લાખ કરતાં વધુ સજીવો મૃત્યુ પામ્યા છે. જો ફાર્મિંગને આગથી બચાવવાના કડક નિયમો બને તો આવી ઘટનાઓ ટાળી શકાય, તેથી કડક નિયમો બનાવવાની માગ ઉઠી હતી.
દૂધ ઉત્પાદનમાં અગ્રેસર
ટેક્સાસ અમેરિકાનું ચોથા ક્રમનું સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતું રાજ્ય છે. ટેક્સાસમાં જ 319 એ ગ્રેડ ધરાવતી ડેરી છે. કેસ્ટ્રો કાઉન્ટી ટેક્સાસમાં દૂધ પ્રોડક્શનમાં બીજા ક્રમે છે. રાજ્યમાં 6.25 લાખ ગાયો છે અને તેનાથી વર્ષે આઠ અબજ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. કેસ્ટ્રો કાઉન્ટીમાં નાના-મોટા 15 ડેરી ફાર્મ છે અને તેમાંથી મહિને 8 કરોડ લીટર દૂધનું પ્રોડક્શન થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter