હ્યુસ્ટન: ટેક્સાસ સ્ટેટમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં ભારતીય મૂળના એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. આ ઘટના ટેક્સાસના લેમ્પાસસ કાઉન્ટી પાસે થઇ હતી. ઓસ્ટિન અમેરિકન સ્ટેટ્સમેનના રિપોર્ટ અનુસાર 45 વર્ષીય અરવિંદ મણી, તેમના 40 વર્ષીય પત્ની પ્રદીપા અરવિંદ અને તેમની 17 વર્ષીય પુત્રી એન્ડ્રિલ અરવિંદનું કાર અકસ્માતમાં મોત થયું છે. આ તમામ લિએન્ડરના રહેવાસી હતાં. મૃતક દંપતીનો 14 વર્ષીય પુત્ર એડિરયાન પ્રવાસમાં સાથે ન હોવાથી હવે તે પરિવારમાં એક માત્ર જીવિત સભ્ય બચ્યો છે. તેની સહાયતા માટે અનેક લોકો અને સંગઠનો આગળ આવ્યા છે. આર્થિક સહાયતા માટે બનાવાયેલા પેજથી અત્યાર સુધી સાત લાખ ડોલરથી વધુની રકમ એકત્ર કરાઇ છે. જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે અરવિંદ અને તેમના પત્ની પોતાની પુત્રીને નોર્ધર્ન ટેક્સાસમાં કોલેજે જઇ રહ્યા હતા. 17 વર્ષીય પુત્રીએ હાઇસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યુ હોવાથી તેઓ ડલાસ યુનિવર્સિટીમાં એડમિશન માટે જતા હતા.
છેલ્લા 26 વર્ષોમાં જોવા મળેલા સૌથી ભીષણ અકસ્માત પૈકીનો આ એક અકસ્માત છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના મતે ટાયર ફાટી જવાને કારણે બે કાર વચ્ચે ટક્કર થઇ હતી. જે પૈકી એક કારની ઝડપ 161 કિમી પ્રતિ કલાકે અને બીજી કારની ઝડપ 112 કિમી પ્રતિ કલાક હોવાનો અંદાજ છે. આ ઘટના યુએસ હાઇવે 281 પર બની હતી. દક્ષિણ તરફ જતી કેડિલેક સીટીએસ કારનું પાછળનું ટાયર ફાટી જતાં ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું.