હ્યુસ્ટન: અમેરિકાના ટેક્સાસ ખાતે એક શ્વેત બાળક દ્વારા ભારતીય- અમેરિકન બાળકનું ગળું દબાવવામાં આવ્યું હતું અને ગુંડા જેવો વ્યવહાર કરાયો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. ટેક્સાસની કોપલ મિડલ સ્કૂલ નોર્થમાં લંચ ટાઇમ દરમિયાન આ ઘટના બની હતી.
આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં જોવા મળે છે કે ભારતીય-અમેરિકન વિદ્યાર્થી ટેબલ પર બેઠેલો છે અને શ્વેત વિદ્યાર્થીએ તેને ગળેથી પકડ્યો છે. આ વીડિયોમાં શ્વેત વિદ્યાર્થી તેને તેની જગ્યા પરથી ઊભો થવાનું કહે છે. ભારતીય-અમેરિકન વિદ્યાર્થી ના પાડે છે તો તેનું ગળું દબાવવામાં આવે છે. તેને બળજબરીથી બેઠક પરથી ઊઠાડવામાં આવે છે. આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ આ પ્રકારની હિંસા સામે કંઈક બોલતા સંભળાય છે, પરંતુ કોઈ તેને અટકાવતું નથી. ‘આ ભયાનક બાબત છે. હું આ જોઇને ત્રણ રાત સૂઈ શકી નહોતી. મને લાગતું હતું કે જાણે મારું ગળું રૂંધાય છે. હું આ જોઈને કેટલીય વાર રડી છું’ એમ વિદ્યાર્થીની માતા સોનિકા કુકરેજાએ જણાવ્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનામાં ભારતીય-અમેરિકન બાળક પીડિત હોવા છતાં સત્તાવાળાઓએ તેને ત્રણ દિવસ માટે જ્યારે હુમલાખોર બાળકને એક જ દિવસ માટે સ્કૂલમાંથી સસ્પેન્ડ કર્યો હતો.