ટેક્સાસમાં મેક્સિકન અમેરિકન મહિલાનો ભારતીય મહિલાઓ પર વંશીય હુમલો

મેક્સિકન મૂળની મહિલાની ધરપકડ, હુમલા અને ધમકીઓ આપવાનો આરોપ

Wednesday 31st August 2022 06:19 EDT
 
 

વોશિંગ્ટન

ટેક્સાસના પ્લાનો ખાતે એક મેક્સિકન અમેરિકન મહિલાની ચાર ભારતીય મહિલાઓ પર વંશીય હુમલાના આરોપસર ધરપકડ કરાઇ હતી. તેના પર હુમલા અને ભયજનક ધમકીઓનો આરોપ મૂકાયો છે. ચાર ભારતીય મહિલાઓ એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવીને પાર્કિંગ લોટમાં પોતાની કાર તરફ જતી હતી ત્યારે એસ્મેરાલ્ડા અપટોન નામની મેક્સિન અમેરિકન મહિલા અચાનક તેમની તરફ ધસી આવી હતી અને ભારતીય મહિલાઓ વિરુદ્ધ બેફામ વંશીય ટિપ્પણી કરવા લાગી હતી.

અપટોને ભારતીય મહિલાઓને કહ્યું હતું કે, કરી ખાનારા તમે ભારતીયો આ દેશને બરબાદ કરી રહ્યાં છો. એક ભારતીય મહિલાએ તેને પૂછ્યું હતું કે તમે આ રીતે કેમ વર્તન કરી રહ્યાં છો ત્યારે અપટોને વધુ ગુસ્સામાં આવીને કહ્યું હતું કે, હું ભારતીયોને ધિક્કારું છું. ભારતીય મહિલાએ તેને કહ્યું હતું કે તું પણ એક વિદેશી છે ત્યારે તેણે જવાબમાં કહ્યું કે હું મેક્સિકન અમેરિકન છું. હું અંગ્રેજી બોલી શકું છું. ભારતીય મહિલાઓએ આ વાર્તાલાપનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને પોલીસને બોલાવી મહિલા વિરુદ્ધ વંશીય ટિપ્પણીઓની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આ મેક્સિન અમેરિકન મહિલાને 10,000 ડોલરના બોન્ડ પર જામીન પર મુક્ત કરી છે. આ ઘટનાની મેક્સિકન અને હિસ્પાનિક મૂળના લોકો દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે.

એક ભારતીય મહિલાએ જણાવ્યું હતું કે, હું ડલ્લાસમાં છેલ્લા 29 વર્ષથી વસવાટ કરું છું પરંતુ આ પ્રકારના ધિક્કારનો મને ક્યારેય અનુભવ થયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter