વોશિંગ્ટનઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને 6 વિરુદ્ધ 3ની બહુમતી સાથે એક ઐતિહાસિક ચુકાદામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને રદ્દ કર્યાં બાદ હવે અમેરિકન સરકારી સંસ્થાઓએ ટેરિફ રિફંડ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા આગામી 45 દિવસમાં તૈયાર થાય તેવી સંભાવના ટ્રમ્પ વહીવટ તંત્રના સૂત્રોએ વ્યક્ત કરી છે.
અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રેન્ડન લોર્ડે રિફંડ માટે અરજી કરનારી કંપનીઓને યુએસ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ સમક્ષ ઓછામાં ઓછાં દસ્તાવેજો રજૂ કરવા પડે તે માટેની સરળ પ્રક્રિયાનું અનાવરણ કર્યું છે. એક અહેવાલ અનુસાર, ટ્રમ્પ દ્વારા ‘ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ લાદવામાં આવેલા ટેરિફ હેઠળ સીબીપીએ આશરે 3,30 લાખ આયાતકારો પાસેથી 166 બિલિયન ડોલરની જંગી ટેરિફ વસૂલી હતી. જોકે આ ચુકાદામાં રિફંડની પ્રક્રિયાનો કોઈ ઉલ્લેખ કરાયો નહોતો. બ્રેન્ડન લોર્ડે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આશરે 44 લાખ માનવ કલાકોનો સમય જશે.
નવી પ્રક્રિયામાં આયાતકારોએ બહુ ઓછાં દસ્તાવેજો સબમિટ કરાવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત 20 ફેબ્રુઆરીના રોજ અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા IEEPA હેઠળ લાદવામાં આવેલાં ટેરિફને રદ કરી દીધા હતાં. કોર્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે સંસદની સંમતિ વિના આ પ્રકારના ટેક્સ લાદવાની સત્તા નથી. આચુકાદા પછી તરત જરાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને કોર્ટના નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો અને સેક્શન 122 હેઠળ તાત્કાલિક અસરથી 10% વૈશ્વિક ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી.


