ટેસ્લા અકસ્માતમાં હત્યાનો ગુનો કર્યાનું સ્વીકારવા ધર્મેશ પટેલનો ઈનકાર

ઈરાદાપૂર્વક પત્ની અને બાળકો સાથે કાર ખીણમાં ધકેલ્યાનો આરોપ

Wednesday 22nd February 2023 05:32 EST
 
 

ન્યૂ યોર્કઃ કેલિફોર્નિયામાં ઈરાદાપૂર્વક પત્ની અને બાળકો સાથે કાર ખીણમાં ધકેલ્યાનો આરોપ ધરાવતા ભારતીય અમેરિકન ધર્મેશ એ. પટેલે તેઓ ગુનેગાર હોવાનો ઈનકાર કર્યો છે. પાસાડેનાના ધર્મેશ પટેલ વિરુદ્ધ ફર્સ્ટ ડીગ્રી હત્યાના પ્રયાસ, ચાઈલ્ડ એબ્યુઝ તેમજ ગંભીર શારીરિક ઈજા અને ઘરેલુ શોષણના ચાર્જ લગાવાયા છે. આ કેસની પ્રાથમિક સુનાવણી 20 માર્ચે નિર્ધારિત કરાઈ છે.

લોસ એન્જલસના પ્રોવાઈડન્સ હોલી ક્રોસ મેડિકલ સેન્ટરમાં રેડિયોલોજિસ્ટ તરીકે કામ કરતા 41 વર્ષીય ધર્મેશ પટેલ રેડવૂડ સિટી કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને આરોપોને નકાર્યા હતા. જો તેઓ હત્યાના ત્રણ કાઉન્ટ માટે દોષિત ઠરાવાય તો આજીવન કેદ ભોગવવી પડશે. ન્યૂ યોર્ક પોસ્ટના જણાવ્યા મુજબ કેલિફોર્નિયાના જાણીતા એટોર્ની જોશુઆ બેન્ટલી બચાવપક્ષે પટેલની પેરવી કરશે.

સાન માટેઓ ડિસ્ટ્રિક્ટ એટોર્ની સ્ટીવ વાગ્સ્ટાફેએ જણાવ્યા મુજબ ધર્મેશ પટેલના પત્નીની રજૂઆત, અન્ય ડ્રાઈવરોની સાક્ષી જુબાનીઓ તેમજ રોડવેનો વીડિયો ધર્મેશ પટેલ વિરુદ્ધના આરોપોને પૂરતો ટેકો આપે છે. ડિસ્ટ્રિક્ટ એટોર્નીએ કહ્યું હતું કે પટેલે શા માટે આમ કર્યું તેની પાછળનો હેતુ શોધવા પ્રયાસ થઈ રહ્યો છે. તે માત્ર પત્ની અને બાળકોની હત્યા કરવાનો પ્રયાસ કરતો હોય તેમ નથી તે આક્મહત્યા કરવા માગતો હોવાનું પણ જણાય છે. ધર્મેશ પટેલ તેમના પરિવાર માટે જોખમી હોવાનું જણાવી સાન માટેઓ કાઉન્ટી જજે તેમને જામીન વિના મેગ્વાયર કરેક્શનલ ફેસિલિટીમાં રાખવા હૂકમ કર્યો હતો. પટેલને પત્ની અને બાળકોને મળવા પર પ્રતિબંધ લગાવાયો છે.

ધર્મેશ પટેલની કાર 2 જાન્યુઆરીએ સ્ટેટ રૂટ વન પર દક્ષિણ તરફ જઈ રહી હતી ત્યારે ટોમ લાન્ટોસ ટનેલ્સની દક્ષિણે ડેવિલ્સ સ્લાઈડ ખાતે 250 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. પટેલના બે બાળકો- સાત વર્ષની પુત્રી અને ચાર વર્ષનો પુત્રને બહાર કાઢવા વાહનને કાપવું પડ્યું હતું. છોકરીને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પુત્રનો થોડા ઉઝરડા સાથે બચાવ થયો હતો. પટેલ દંપતીને વાહનની બારીઓમાંથી બહાર કઢાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter