ટોરોન્ટોમાં લૂંટના ઇરાદે ભારતીય વિદ્યાર્થીની હત્યા

Wednesday 13th April 2022 11:32 EDT
 
 

ટોરોન્ટોઃ એમબીએનો અભ્યાસ કરવા કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની સબવેમાં ગોળી મારીને હત્યા કરાતાં શોકનું મોજું ફરી વળ્યું છે. આફ્રિકન હુમલાખારે લૂંટના ઇરાદે હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતીય દૂતાવાસે કેનેડિયન સરકારને આ કેસમાં સંડોવાયેલા હત્યારાઓને તુરંત ઝડપી લેવા રજૂઆત કરી છે.
પોલીસે પ્રાથમિક તપાસના આધારે કહ્યું હતું કે ઘટનાના સાક્ષીઓના કહેવા પ્રમાણે એક અશ્વેત યુવાન લૂંટના ઈરાદે સબવેમાં આવ્યો હતો અને તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સીસીટીવીના આધારે તેને ઝડપી લેવાની કવાયત શરૂ થઈ છે. ટોરોન્ટોમાં ચાર મહિનામાં હત્યાના ૧૯ બનાવો બની ચૂક્યા છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો વતની ૨૧ વર્ષનો કાર્તિક વાસુદેવ એમબીએનો અભ્યાસ કરવા ગયા જાન્યુઆરીમાં જ કેનેડા ગયો હતો. તે અભ્યાસ ઉપરાંત પાર્ટટાઈમ જોબ પણ કરતો હતો. તે જોબ માટે મેટ્રોથી જતો હતો ત્યારે સબવેમાં તેની હત્યા કરી નંખાઇ હતી. કાર્તિક તેની ઓફિસે ન પહોંચતા તેના મિત્રે ભારતસ્થિત પેરન્ટ્સને ફોન કર્યો હતો. કાર્તિકના માતા-પિતાએ બીજા ઓળખીતા અને ફ્રેન્ડ્સને ફોન કરીને જાણકારી મેળવી હતી. આ પછી હત્યાની જાણ થઈ હતી.
કેનેડા પોલીસે પરિવારને હત્યાની જાણકારીનો ફોન કર્યો હતો. કાર્તિકના પિતા જિતેશ વાસુદેવ ગુરુગ્રામમાં નોકરી કરે છે. આ ઘટના અંગે વિદેશમંત્રી એસ. જયશંકરે શોકની લાગણી વ્યક્ત કરતાં પરિવારને આશ્વાસન આપ્યું હતું. તેમણે આશ્વાસન આપ્યું હતું કે જે કંઇ મદદની જરૂર પડશે તે બધી જ મદદ ભારત સરકાર કરશે.
કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસે પણ કેનેડા સરકારને તાત્કાલિક ઘટનાની તપાસ કરવાની માગણી કરી છે. કાર્તિકના પરિવાર સાથે સંપર્કમાં રહીને જરૂરી કાર્યવાહી થઈ રહી છે એવું દૂતાવાસે કહ્યું હતું. પોલીસના નિવેદનમાં કહેવાયું હતું કે કાર્તિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે દમ તોડી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter