વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પ્રમુખપદે હતા ત્યારે ચૂકવેલા ટેક્સનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં બહાર આવ્યું છે કે ટ્રમ્પે જાન્યુઆરી 2017માં રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળ્યું ત્યારે તેઓ જંગી ખોટમાં હતા. જોકે પછીના બે જ વર્ષમાં સમગ્ર ચિત્ર બદલાઈ ગયું. રાષ્ટ્રપ્રમુખ બન્યાના બે વર્ષમાં તેઓ 2.44 કરોડ ડોલર (અંદાજે 200 કરોડ રૂપિયા) કમાયા હતા અને 10 લાખ ડોલર (અંદાજે 8.30 કરોડ રૂપિયા) ટેક્સ ચૂકવ્યો હતો. જોકે, 2020માં આખી દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી હતી ત્યારે ટ્રમ્પની કમાણી પર ફરી એક વખત નકારાત્મક અસર પડી હતી. આ ગાળામાં તેમને 48 લાખ ડોલર (અંદાજે 40 કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. આ દરમિયાન તેમણે ભરેલા ટેક્સની કોઈ માહિતી જાહેર કરાઇ નથી.