ટ્રમ્પ 25 ટકા ટેરિફ લાદે તો પણ ભારતમાં બનતા આઈફોન સસ્તા હશે

Friday 30th May 2025 05:53 EDT
 
 

નવી દિલ્હી: યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એપલને આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં નહીં કરે તો 25 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે. જોકે વાસ્તવિક્તા એ છે કે ટ્રમ્પ કહેવાતા 25 ટકા ટેરિફનો અમલ કરે તો પણ એપલ માટે ભારતમાંથી આઈફોનનું ઉત્પાદન એકમ અમેરિકામાં ખસેડવું મુશ્કેલ રહેશે. કારણ કે ટ્રમ્પના 25 ટકા ટેરિફ પછી પણ ભારતમાં બનનારા આઈફોન વધુ સસ્તા હશે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (જીટીઆરઆઈ) મુજબ ભારતમાં બનેલા આઈફોન ૫૨25 ટકા ટેરિફ લગાવાયા તો પણ તેની પ્રોડક્શન કોસ્ટ અમેરિકામાં બનનારા આઈફોન કરતાં ઓછી હશે. જીટીઆરઆઈના રિપોર્ટમાં આઈફોનની વેલ્યુ ચેઈનનું બ્રેકડાઉન અપાયું છે. 1,000 ડોલરવાળા આઈફોનમાં એપલનું માર્જિન સૌથી વધુ હોય છે. કંપનીને તેમાં 400 ડોલર મળે છે. ક્વાલકોમ અને બોર્ડકોમ જેવા અમેરિકન સ્પર્ધક સ્માર્ટફોન ઉત્પાદકો દરેક ફોન પર 80 ડોલર લે છે જ્યારે તાઈવાનની ચીપ ઉત્પાદક 150 ડોલર લે છે. દક્ષિણ કોરિયા ઓએલઈડી સ્ક્રીન અને મેમરી ચીપ માટે 90 ડોલર અને જાપાન સપ્લાય કોમ્પોનન્ટ માટે 85 ડોલર લે છે. અન્ય નાના પાર્ટ્સ માટે 45 ડોલરનો ખર્ચ થાય છે.
જીટીઆરઆઈના અહેવાલ મુજબ ચીન અને ભારત આઈફોન ઉત્પાદનમાં મોટા પ્લેયર્સ છે, પરંતુ પ્રત્યેક યુનિટ પર તેમની કમાણી લગભગ 30 ડોલરની જ છે. એટલે કે આઈફોનની કુલ કિંમતના માત્ર ત્રણ ટકા હિસ્સો જ ભારત અને ચીનને મળે છે.
આ આધારે ભારતમાં બનનારા આઈફોન પર ટેરિફ લગાવવામાં આવે તો પણ તે અમેરિકામાં બનનારા આઈફોન કરતા સસ્તા હશે. ભારત અને અમેરિકામાં લેબર કોસ્ટ સૌથી મોટું અંતર છે. ભારતમાં ફોન એસેમ્બલીનું કામ કરનારા વર્કરને લગભગ 230 ડોલર મળે છે જ્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં લેબર કોસ્ટ જ લગભગ 2900 ડોલર સુધી પહોંચી જાય છે, જે ભારત કરતાં 13 ગણી વધુ છે. આ કોસ્ટ મિનિમમ લેબર વેજના કારણે છે. આમ, ભારતમાં એક આઈફોનનો એસેમ્બલી ખર્ચ 30 ડોલર છે જ્યારે અમેરિકામાં તે ખર્ચ 390 ડોલર સુધી પહોંચી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter