વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ટ્રમ્પના આરોગ્યને મુદ્દે સેવાઈ રહેલી ચિંતાઓ વચ્ચે વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું છે કે કોઈક દુર્ઘટના સર્જાઈ જાય તો તેઓ અમેરિકી પ્રમુખપદની જવાબદારી સંભાળવા માટે પૂરા તૈયાર છે. જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરવા સારી સ્થિતિમાં છે.
તેમણે કહ્યું કે પ્રેસિડન્ટ ટ્રમ્પ બાકી કાર્યકાળ પૂરો કરશે અને અમેરિકી પ્રજા માટે બહેતર કામ કરશે. તાજેતરમાં ટ્રમ્પે સાઉથ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે વાતચીત મુલાકાત કરી ત્યારે ટ્રમ્પના હાથ પર એક મોટું નીલા રંગનું નિશાન જોવા મળ્યું હતું. તે પછી ટ્રમ્પના આરોગ્યની સ્થિતિ ચિંતાનો વિષય બનેલી છે. ટ્રમ્પે જાન્યુઆરી 2025માં 78 વર્ષ અને સાત મહિનાની વયે પ્રમુખપદના શપથ લીધા હતા.