વોશિંગ્ટનઃ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને ટેક જાયન્ટ ઇલોન મસ્કે એક નવો રાજકીય પક્ષ ‘ધ અમેરિકા પાર્ટી’ રચવાની જાહેરાત કરી છે. મસ્કના પગલાને પ્રેસિડન્ટ ટ્રમ્પ પર સીધો રાજકીય હુમલો મનાઈ રહ્યો છે. આશરે રૂ. 37 લાખ કરોડની સંપત્તિ ધરાવતા મસ્કે કહ્યું હતું કે અમેરિકાના લોકોને બે પાર્ટી સિસ્ટમમાંથી મુક્તિ આપવાનો સમય આવી ગયો છે. મસ્કે એક્સ પર લખ્યું - જ્યારે આપણા દેશને બર્બાદી અને ભ્રષ્ટાચારથી નાદાર કરવાની વાત આવે છે, ત્યારે આપણે એક પાર્ટી સિસ્ટમમાં રહીએ છીએ, લોકશાહીમાં નહીં. બે પાર્ટી સિસ્ટમ બે માથાવાળા સાપ જેવી છે. 80 ટકા અમેરિકન તેનાથી કંટાળ્યા છે.
મસ્ક ચૂંટણી નહીં લડી શકે, પણ કિંગમેકર બની શકે
મસ્ક ચૂંટણી લડી શકશે નહીં, પરંતુ મિડટર્મ ચૂંટણીમાં કેટલીક બેઠકો જીતીને કિંગમેકર બનવા ઇચ્છે છે. નવેમ્બર 2026માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની તમામ 435 બેઠકો અને સેનેટની 100 માંથી 34 બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે. મસ્કની યોજના બંને ગૃહોમાં કેટલીક બેઠકો જીતવાની છે. જેથી ટ્રેમ્પના બિલોને વીટો કરીને તે કિંગમેકરની ભૂમિકામાં આવી શકે. અમેરિકાના બંધારણ મુજબ ફક્ત અમેરિકામાં જન્મેલી વ્યક્તિ જ ચૂંટણી લડી શકે છે. મસ્કનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો છે. આવી સ્થિતિમાં તે ચૂંટણી લડી શકશે નહીં. મસ્કે 2024ના પ્રેસિડન્ટ ઇલેક્શનમાં ટ્રમ્પને રૂ. 2500 કરોડનું દાન આપ્યું હતું. અમેરિકામાં હાલમાં 30 પક્ષો છે. પરંતુ ડેમોક્રેટ અને રિપબ્લિકન પક્ષોનું વર્ચસ્વ છે. 1912માં, પ્રોગ્રેસિવ પાર્ટીના રૂઝવેલ્ટને 27.4 ટકા લોકપ્રિય મત મળ્યા. આ ત્રીજા પક્ષનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
ભારતવંશી વૈભવ તનેજા પક્ષના ટ્રેઝરર
મસ્કે જે નવા રાજકીય પક્ષ અમેરિકન પાર્ટીની રચના કરી છે તેના ટ્રેઝરર તરીકે ટેસ્લાના જ મનીમેન તરીકે ઓળખાતા ભારતવંશી સીએફઓ વૈભવ તનેજાને જવાબદારી સોંપી છે. તનેજા લાંબા સમયથી મસ્ક સાથે કામ કરી રહ્યા છે અને તેઓ હવે નવા અમેરિકન પાર્ટીના ટ્રેઝરર તથા કસ્ટોડીયલ તરીકે કામ કરશે.