ટ્રમ્પ-મમદાની વચ્ચે વ્હાઇટ હાઉસમાં બેઠક યોજાઇ

Tuesday 25th November 2025 11:55 EST
 
 

ન્યૂયોર્કઃ શહેરના મેયરપદની ચૂંટણીમાં એકબીજા પર આકરા પ્રહાર કર્યા પછી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂયોર્કના ચૂંટાાયેલા મેયર ઝોહરાન મમદાની વચ્ચે શનિવારે વ્હાઉટ હાઉસમાં બહુપ્રતિક્ષિત મુલાકાત થઈ હતી. રાજકારણમાં આ બંને કટ્ટર હરીફો વચ્ચેની આ બેઠક અપેક્ષાથી તદ્દન વિપરિત એટલે કે ખૂબ જ સકારાત્મક રહી હતી. પોતાની પાર્ટીએ મમદાની માટે લગાવેલા જેહાદી લેબલને ફગાવી દેતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમને મમદાની ખૂબ જ તર્કસંગત લાગ્યાં.
ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મમદાની ખૂબ જ સારુ કામ કરી શકે છે. ઓવલ ઓફિસમાં મમદાની તેમની બાજુમાં ઊભા હતાં ત્યારે ટ્રમ્પે બેઠકને શાનદાર ગણાવીને જણાવ્યું હતું કે હું મેયરને અભિનંદન આપું છું. મમદાનીના વહીવટી તંત્ર હેઠળ ન્યૂયોર્કમાં રહેવાનું તમને યોગ્ય લાગે છે કે નહીં તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે હા, ખાસ કરીને મીટિંગ પછી ચોક્કસ. મમદાને એક પત્રકારે એવો સવાલ પૂછયો હતો કે તેઓ હજુ પણ ટ્રમ્પને ફાસીવાદી માને છે કે નહીં ત્યારે મમદાનીના જવાબ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તમે બસ ‘હા’ કહી શકો છો. મમદાનીએ જણાવ્યું હતું કે બંનેએ મકાનના ઊંચા ભાડા, કરિયાણા, યુટિલિટી, જીવનનિર્વાહના સંકટ અને રહેઠાણ જેવા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. અગાઉ ન્યૂયોર્કના મેયરની ચૂંટણી દરમિયાન મમદાની ડાબેરી પાગલ ગણાવીને ટ્રમ્પે ચેતવણી આપી હતી કે મમદાની જીતથી ન્યૂયોર્ક શહેર માટે આર્થિક અને સામાજિક આપત્તિનું કારણ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter