વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિએનો વિરોધ કરતા ‘નો કિંગ્સ પ્રોટેસ્ટ’ રસ્તા પરના દેખાવોથી આગળ વધીને ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમેરિકાનાં વિવિધ શહેરોમાં ‘નો કિંગ્સ વોટ અર્લી’ નામે સેંકડો કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ 3 નવેમ્બરે યોજાનારી મિડ ટર્મ ચૂંટણી પહેલાં લોકોને વહેલું મતદાન કરવા પ્રોત્સાહિત કરવાનો અને મતદાનના અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
આયોજકોના જણાવ્યા અનુસાર, દેશભરમાં 3,000થી વધુ રેલીઓ, સ્થાનિક મેળાવડા અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા. વોશિંગ્ટન ડી.સી.માં લિંકન મેમોરિયલ પાસે યોજાયેલા કાર્યક્રમમાં લોકો વહેલું મતદાન કરો અને અમારા મતાધિકારમાં હસ્તક્ષેપ બંધ કરો એવા સંદેશા ધરાવતાં બેનરો સાથે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, નો કિંગ્સ આંદોલન ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન તેમની નીતિઓના વિરોધમાં ઊભું થયું છે. આંદોલન સાથે જોડાયેલા લોકોનો આરોપ છે કે ટ્રમ્પની કેટલીક નીતિઓ અને નિર્ણયો સત્તાના વધુ પડતા કેન્દ્રીકરણ તરફ દોરી જાય છે. ટ્રમ્પ પોતે રાજાની જેમ વર્તી રહ્યા છે.


