વોશિંગ્ટનઃ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે વતનમાં પૈસા મોકલવાનું આગામી ચોથી જુલાઇ પછી મોંઘુ થાય તેવું એક બિલ તૈયાર થયું છે. શાસક રિપબ્લિકન સાંસદોએ રજૂ કરેલા આ બિલમાં નોન-સિટિઝનના તમામ ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર પર પાંચ ટકા ટેક્સ લાદવાની વિવાદાસ્પદ દરખાસ્ત છે. બિલની જોગવાઈ મુજબ H-1B સહિતના નોન ઇમિગ્રન્ટ્સ વિઝા હોલ્ડર હોય કે ગ્રીનકાર્ડધારકો હોય તમામ નોન યુએસ સિટિઝને વિદેશમાં મની ટ્રાન્સફર પર ૫ ટકાનો ટેક્સ ભરવો પડશે. વેસ્ટર્ન યુનિયન, પેપાલ અથવા તો બેંકો ટ્રાઝેક્શન વખતે જ આ ટેક્સ કાપી લેશે.
આ બિલનું સત્તાવાર નામ ‘ધ વન બિગ બ્યુટીફુલ બિલ’ રખાયું છે, પરંતુ તેનાથી અમેરિકામાં રહેતા અને ભારતમાં નાણાં મોકલતા લાખ્ખો ભારતીયોને ફટકો પડી શકે છે આ બિલ કાયદો બન્યા પછી જે કોઈ પણ અમેરિકન નાગરિક નથી અને દેશની બહાર પૈસા મોકલે છે, તેમણે 5 ટકા રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. નિયમિતપણે વિદેશમાં પોતાના પરિવારોને પૈસા મોકલે છે, તેવા યુએસમાં રહેલા લોકોને તેની વિશેષ અસર થશે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં આ કાયદાને સમર્થન આપી તેને મહાન ગણાવ્યો છે. 5 ટકા રેમિટન્સ ટેક્સનો હેતુ વ્યાપક કરછૂટને થતા નુકસાનને સરભર કરવાનો તથા સરહદ સુરક્ષા પહેલને ટેકો આપવાનો છે.
નવી જોગવાઈનો અર્થ એ થશે કે વતન મોકલવામાં આવતા દરેક લાખ ડોલર દીઠ 5,000 ડોલર આઇઆરએસને જશે. આ બિલને ઝડપથી કાયદાનું સ્વરૂપ આપવાની તૈયારી ચાલી રહી છે. 26 મે, 2025ના મેમોરિયલ ડે સુધીમાં ગૃહમાં બિલ પસાર કરવાનો લક્ષ્યાંક છે. આ પછી તે સેનેટમાં જશે. કાયદા ઘડનારાઓને આશા છે કે 4 જુલાઈ સુધીમાં પ્રેસિડેન્ટ તેના પર હસ્તાક્ષર કરશે અને કાયદો બનશે. આ પછી ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અને મની ટ્રાન્સફર એજન્સીઓ ટ્રાન્ઝેક્શનના દરેક પોઇન્ટન્ટ્સ પર 5 ટકા ટેક્સ વસૂલી ચાલુ કરશે.
NRIના નાણાપ્રવાહને અસર થશે
રેમિટન્સ ટેક્સથી NRIની હાલની નાણાકીય વ્યૂહરચનાને અસર થઇ શકે છે. NRI વૃદ્ધ માતાપિતાને આર્થિક મદદ કરતા હોય, ભાઈ-બહેનના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડી રહ્યા હોય, અથવા મકાન માટે રિઅલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા હોય, તો પણ હવે તેના પર ટેક્સ લાગશે. આ ટેક્સ પરંપરાગત બેંકો અને NRE/NRO ખાતા સહિત તમામ કાયદેસર માધ્યમો પર લાગુ પડે છે, જેના કારણે નિયમભંગ કર્યા વિના ટેક્સ ટાળવા માટે બહુ ઓછા વિકલ્પો બાકી રહે છે.
ભારતીય સમુદાય પર વર્ષેદહાડે
1.6 બિલિયન ડોલરના ટેક્સબોજનો અંદાજ
માર્ચમાં આરબીઆઇએ જાહેર કરેલા રેમિટન્સ સર્વે મુજબ ભારતને 2023-24માં 118.7 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું. આમાંથી આશરે 28 ટકા અથવા 32 બિલિયન ડોલર અમેરિકામાંથી આવ્યા હતાં. જો આ બિલ કાયદો બનશે
તો હાલના આંકડા મુજબ જ ભારતીય સમુદાયે 1.8 બિલિયન ડોલરનો રેમિટન્સ ટેક્સ ભરવો પડશે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકામાં લગભગ 45 લાખ વિદેશી ભારતીયો છે, જેમાં લગભગ 2 લાખ પીઆઈઓનો સમાવેશ થાય છે.