વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ બીજી વખત ચૂટાયા પછી કેટલાય સ્તરે અને અનેક મોરચે ધરમૂળથી ફેરફારો કરી રહ્યા છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-વનબી વિઝા જારી કરવાના નિયમોમાં ફેરફારનું આયોજન કરી રહ્યું છે. આ ફેરફાર હેઠળ લોટરી સિસ્ટમ ખતમ કરી વેઇટેજ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. અહેવાલ મુજબ ટ્રમ્પ તંત્ર આ ફેરફાર માટે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે.
આના જ ભાગરૂપે હોમલેન્ડ સુરક્ષા વિભાગે વર્તમાન લોટરી સિસ્ટમના સ્થાને અત્યંત મર્યાદિત પ્રમાણમાં અરજદારોની પસંદગી કરવા માટે એક વેઇટેજ સિસ્ટમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે એચવન-બી વિઝાના નિયમોમાં ફેરફાર સૌથી વધુ ભારતીયોને અસર કરશે. ભારતીયો એચ-વનબી વિઝામાં 70 ટકા હિસ્સો ધરાવે છે.