વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પ ટેરિફના મામલે કોઇ બાંધછોડ કરવાના મૂડમાં નથી. સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠરાવતો ચુકાદો આપતાં હવે તેમણે વિશ્વના તમામ દેશો પર 15 ટકાનો ગ્લોબલ ટેરિફ ઝીંક્યો છે. સાથે જ તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે જો કોઈ દેશ ટ્રેડ ડીલના નામે અમેરિકા સાથે ‘ગેમ’ રમવા કોશિશ કરશે તો તેના પર વધુ ઊંચો ટેરિફ લદાશે. ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રમ્પે કહ્યું કે, ઘણા દેશોએ વર્ષો સુધી અમેરિકાને વેપારમાં નુકસાન પહોંચાડયું છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મંગળવારથી ભારત સહિત તમામ દેશો પર 15 ટકા ટેરિફ લાગુ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારે પોતાના નિર્ણયમાં ટ્રમ્પ ટેરિફને ગેરકાયદે ઠરાવ્યા હતા. તેના બીજા જ દિવસે ટ્રમ્પે 15 ટકા ટેરિફ જાહેર કર્યો હતો.
જોકે આ 15 ટકા ટેરિફ સામે અનેક દેશોમાં કચવાટ છે. ટ્રમ્પે બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો સાથે ટ્રેડ ડીલ કરતાં આ દેશો 10 ટકા અમેરિકી બેઝલાઇન ટેરિફ ચૂકવવા સંમત થયા હતા. પરંતુ હવે તેમને પણ 15 ટકા ટેરિફ ચૂકવવો પડશે.
ભારત - ચીન - બ્રાઝિલ લાભમાં
ટેરિફ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પ સામે પડકારો ઊભા થયા છે. યુરોપીયન યુનિયન (ઇયુ)એ ટ્રમ્પને કહ્યું છે કે તે અગાઉના 10 ટકા ટેરિફમાં કોઈપણ વધારો સ્વીકારશે નહીં. બીજી બાજુ ટ્રમ્પના 15 ટકા ગ્લોબલ ટેરિફથી ભારત, ચીન અને બ્રાઝિલને અન્ય દેશોની સરખામણીએ વધુ ફાયદો થશે. ચીને કહ્યું હતું કે હવે યુએસ કોર્ટે પણ જણાવી દીધું છે કે પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફ ગેરકાયદે છે.
ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફ સંદર્ભે થયેલા વિશ્લેષણ મુજબ ટ્રમ્પના 15 ટકા ટેરિફનો બ્રાઝિલ, ભારત અને ચીનને સૌથી વધુ ફાયદો થશે. ડેટાથી ખબર પડે છે કે જે દેશોની અમેરિકન પ્રમુખે આકરી ટીકા કરી છે તેમને ગ્લોબલ ફ્લેટ રેટ્સથી સૌથી વધુ ફાયદો મળવા આશા છે. બ્રાઝિલના સરેરાશ ટેરિફ રેટમાં સૌથી વધુ ઘટાડો થશે, જે 13.6 ટકા હશે. બીજા ક્રમે ચીનના સરેરાશ ટેરિફમાં 7.1 ટકા તો ભારતના સરેરાશ ટેરિફમાં છ ટકા ઘટાડો થશે. ચીને પણ ટ્રમ્પને ચેતવણી આપી છે કે તે બિનજરૂરી ટેરિફ ન લાદે. તેના કારણે અનિશ્ચિતતા વધે છે અને અમેરિકાએ પોતે જ પારોઠના પગલાં ભરવા પડે છે. ટેરિફથી બધાને નુકસાન જ છે.
પ્રમુખે ટ્રમ્પે સીમા ઓળંગીઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે 20 ફેબ્રુઆરીએ ટ્રમ્પને ઝટકો આપતા તેમના ‘ગ્લોબલ ટેરિફ’ને ગેરકાયદે ઠરાવી રદ નાંખ્યો હતો. ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સની આગેવાનીમાં 6-3ના બહુમતથી આ નિર્ણય લેવાયો હતો. કોર્ટે કહ્યું કે ટ્રમ્પે 1977ના ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (આઈઈઈપીએ) નો સહારો લઈને પોતાની બંધારણીય સીમા બહાર જઈ ટેરિફ લગાવ્યા હતા.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે આઈઈઈપીએ કાયદો રાષ્ટ્રપતિને ઈમરજન્સીમાં ટ્રેડ ‘કંટ્રોલ’ કરવાની મંજૂરી આપે છે, પરંતુ આ કાયદો ટેરિફ લગાવવાનો અધિકાર આપતો નથી. એટલે આઈઈઈપીએના આધાર પર લગાવાયેલા ટેરિફ કાયદેસર નથી. ટ્રમ્પે ફેબ્રુઆરી 2025માં પહેલી વાર આઈઈઈપીએનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચીન, મેક્સિકો અને કેનેડા પર ડ્યૂટી લગાવી હતી. ત્યારબાદ એપ્રિલમાં ‘લિબરેશન ડે’ના દિવસે ભારત, યુરોપિયન યુનિયન, જાપાન સહિત 100થી વધુ દેશો પર 10ટકાથી 50ટકા સુધી ટેરિફ ઝીંક્યા હતા. ટ્રમ્પનો દાવો હતો કે વધતો ટ્રેડ ડેફિસિટ રાષ્ટ્રીય ઈમરજન્સી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકી ઉદ્યોગને બચાવવા ટેરિફ જરૂરી છે. આ મામલે પહેલા કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ અને ફેડરલ સર્કિટ કોર્ટે પણ આઈઈઈપીએ હેઠળના મોટા ભાગના ટેરિફને ગેરકાયદે ગણાવ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના જજોને ભાંડ્યા
સુપ્રીમ કોર્ટના જજોએ ટેરિફના નિર્ણયને ખોટો ઠેરવતા જ ટ્રમ્પ બરાબરના વીફર્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટના જજોને ભાંડયા હતા. તેમને ‘મહામૂર્ખ’ અને ‘પાળતુ કૂતરા’ જેવા ગણાવ્યા હતા. તેમણે કોર્ટના જજોના શરમ વગરના ગણાવ્યા હતા અને દેશહિતમાં ચુકાદો આપવાની જરા પણ હિંમત ધરાવતા નથી તેમ જણાવ્યું હતું. ચુકાદા પછી વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રમ્પે જજો સામે તેનો ગુસ્સો ઠાલવ્યો હતો. કોઈપણ અમેરિકન પ્રમુખ જજો સામે બોલ્યા ન હોય તેવા શબ્દો ટ્રમ્પ બોલ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ ટ્રમ્પના મનપસંદ વિષય ટેરિફની હવા કાઢી નાખતા તે બેબાકળા થઈ ગયા છે.


