ટ્રમ્પ હોદ્દો સંભાળે તે પૂર્વે ફરી વિરોધનો વંટોળ

Wednesday 18th January 2017 08:23 EST
 
 

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેની શપથવિધિ ૨૦ જાન્યુઆરીએ છે. તેઓ અમેરિકાના ૪૫મા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બની જશે પણ અમેરિકામાં તેમનો વિરોધ વેગ પકડી રહ્યો છે. ચીનના મીડિયાએ તેમને ધમકી આપી દીધી છે કે તેઓ એક ચીનની નીતિ ઉલટવાનો પ્રયાસ ન કરે. અમેરિકી નેતૃત્વ હેઠળના નાટોને ટ્રમ્પે અપ્રાસંગિક ગણાવાતાં અમેરિકા સિવાયના તમામ ૨૭ સભ્ય દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.
૨૦મીએ ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં ૮થી ૯ લાખ લોકો લોકોની હાજરીનો અંદાજ છે. જોકે, તેમાં ટ્રમ્પના સમર્થકો કેટલા હશે અને વિરોધીઓ કેટલા તે કહી શકાય તેમ નથી. ૧૮ ડેમોક્રેટ સાંસદ સમારોહના બહિષ્કારની રજૂઆત કરી ચૂક્યા છે. ૨૦ અને ૨૧ જાન્યુઆરીએ દેશભરમાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન થશે. ૧૪મીએ વોશિંગ્ટનમાં મહિલાઓ પ્રદર્શન કરશે. દરમિયાન, ઓબામા તંત્રના સીઆઇએ ચીફ જોન બ્રેનને ચેતવણી આપી છે કે રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ ટિપ્પણીઓ પર નિયંત્રણ રાખે. તેમણે રશિયાથી પણ સતર્ક રહેવાની જરૂર છે.
‘ધ ટાઇમ્સ’ને ટ્રમ્પનો ઇન્ટરવ્યૂ
ટ્રમ્પે ‘ધ ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં વિવિધ વિષયે વિચારો વ્યક્ત કર્યા હતા. અંશોઃ
• રશિયાઃ પરમાણુ શસ્ત્રો ઘટાડવા સહિત સારા કરાર કરીશું. પ્રતિબંધથી રશિયા પર ખરાબ અસર પડી છે. તેનો કઈ રીતે ફાયદો ઊઠાવવો તે જોઈશું.
• બ્રેક્ઝિટઃ બ્રિટનનો અત્યંત સ્માર્ટ નિર્ણય
• બ્રિટન-અમેરિકા વ્યાપારઃ અમે વ્યાપાર કરારો માટે ઝડપભેર કંઈક કરીશું.
• એન્જેલા મર્કેલઃ સારા નેતા છે પણ લાખો શરણાર્થીઓને જર્મનીમાં આવવા દેવાનો ભયંકર ખોટો નિર્ણય લીધો.
• યુરોપીય સંઘઃ તે મૂળભૂત રીતે જર્મનીનું છે. અન્ય દેશોએ તેમાંથી નીકળી જવું જોઈએ.
• નાટોઃ અપ્રાસંગિક થઈ ગયું છે પણ મારા માટે ઘણું મહત્ત્વનું છે.
• ઇરાન પરમાણુ કરારઃ મેં જેટલા પણ કરાર જોયા તેમાંનો સૌથી મોંઘો કરાર.
• ઇરાક યુદ્ધઃ તે મધપુડા પર પથ્થર ફેંકવા બરાબર છે.
• ટ્વિટરઃ હું તે (રાષ્ટ્રપતિ તરીકે પણ) રાખીશ. બિંગ બિંગ બિંગ કરતો રહીશ અને અપ્રામાણિક સમાચારો અંગે ટિપ્પણી કરતો રહીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter