વોશિંગ્ટન: અમેરિકાનાં પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા વિશ્વનાં જુદા જુદા દેશો પર લાદવામાં આવેલી ટેરિફને વોશિંગ્ટનની એક ફેડરલ અપીલ્સ કોર્ટે ગેરકાયદે ઠરાવી છે. આને કારણે ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડયો છે. જો કે કોર્ટે હાલ ટેરિફનો અમલ ચાલુ રાખવા છૂટ આપી છે અને ટ્રમ્પ સરકારને સુપ્રીમ કોર્ટમાં જવા 14મી ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. 14મી ઓકટોબર સુધી ટ્રમ્પ સરકાર ટેરિફનો અમલ ચાલુ રાખી શકશે.
કોર્ટે ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલી મોટાભાગની ટેરિફને ગેરકાયદે જાહેર કરી છે. કોર્ટે ટેરિફ લગાવવા માટે પ્રમુખની સત્તાઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું છે તે બંધારણની રૂએ ટેરિફ અને ટેક્સ લાદવાની સત્તા અમેરિકન કોંગ્રેસને જ છે. અમેરિકાનાં પ્રમુખ આ રીતે ટેરિફ લાગુ કરવાની અબાધિત સત્તા ધરાવતા જ નથી. ટ્રમ્પે ટેરિફ લગાવવા ઈમરજન્સી કાયદાનો ઉપયોગ કર્યો છે તે પણ ખોટો છે.
આદેશ અયોગ્ય, ટેરિફ હજી અમલમાં જ
અમેરિકાની અપીલ્સ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી ટેરિફને ગેરકાયદે ઠરાવી છે પણ ટ્રમ્પે હુંકાર કર્યો છે કે હજી તમામ ટેરિફ અમલમાં છે. ટ્રમ્પે કહ્યું કે અમારા દ્વારા લાગુ કરવામાં આવેલી ટેરિફને પાર્ટિશન કોર્ટ દ્વારા ભલે ગેરકાયદે ઠરાવીને તેને રદ કરવા કહ્યું હોય પણ કોર્ટનો આ આદેશ ખોટો અને અયોગ્ય છે.
આખરે તો આ કેસમાં અમેરિકાનો જ વિજય થવાનો છે. ટ્રમ્પનું આવું નિવેદન એવા સંકેતો આપે છે કે ટ્રમ્પ સરકાર તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની છે. અમેરિકાની અપીલ્સ કોર્ટ ફોર ફેડરલ સર્કિટ જણાવ્યું હતું કે ટ્રમ્પ અમેરિકા દ્વારા આયાત કરવામાં આવતી તમામ ચીજવસ્તુઓ પર ટેરિફ કે ટેક્સ લાદવાની અમર્યાદિત સત્તા ધરાવતા નથી. જો કે પોતાનાં ચુકાદાનો અમલ કરવા તેમજ ટ્રમ્પને આ મુદ્દે ફરી વિચારણા કરવા એપેલેટ જજે ઓક્ટોબર મહિના સુધીનો સમય આપ્યો છે. હાલ ટેરિફનો અમલ ચાલુ રહેવાનો છે.
ટેરિફ રદ કરાશે તો ગંભીર પરિણામોઃ ટ્રમ્પ
ટ્રમ્પે ટેરિફને રદ ઠરાવવાના મામલે કહ્યું હતું કે આનાથી અમેરિકા માટે ગંભીર પરિણામો આવશે. ટ્રમ્પે ટેરિફની આવક દ્વારા અમેરિકાને સમૃદ્ધ બનાવવાની મહત્વાકાંક્ષા સેવી હતી પણ જો ટેરિફ રદ કરવા ફરજ પાડવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. ટ્રમ્પે કહ્યું કે તેમની ટેરિફ લાદવાની સત્તાને હટાવવામાં આવશે તો અમેરિકામાં મહામંદીનો ખતરો સર્જાઈ શકે છે.