વોશિંગ્ટનઃ અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ દ્વારા ૧૩ મહિનાના ગાળામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી પર બીજી વાર મહોર મારવામાં આવી છે. આ સાથે અમેરિકાના ઇતિહાસમાં બે વાર મહાભિયોગ માટે દોષી ઠરનારા ટ્રમ્પ પ્રથમ પ્રમુખ છે. હવે ટ્રમ્પનું ભાવિ અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટના હાથમાં છે. આ સાથે નવા પ્રમુખ જો બાઇડેનના શપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પના મહાભિયોગનો નિર્ણય સેનેટમાં લેવાય તેવી સંભાવના પણ પૂરી થઈ હતી.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં હાથ ધરાયેલા મતદાનમાં ૨૨૨ ડેમોક્રેટ અને ૧૦ રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પ સામે મહાભિયોગ કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. ગૃહમાં ટ્રમ્પના મહાભિયોગ માટે ૨૧૮ મતની જરૂર હતી. આ પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં પસાર કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવના પુરાવા અને આર્ટિકલ સંસદના ઉપલા ગૃહ સેનેટને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આમ હવે જો બાઇડેનના શપથ પછી સેનેટમાં ટ્રમ્પ સામેની મહાભિયોગની કાર્યવાહીનો પ્રારંભ કરાય તેવી સંભાવના છે.
અલબત્ત કેટલાક ડેમોક્રેટ સાંસદો જો બાઇડેનને તેમની સરકારની રચના અને કેટલીક પ્રાથમિક્તાઓ પર કામ કરવાનો સમય મળે તે માટે ટ્રમ્પની ટ્રાયલ થોડી વિલંબથી શરૂ કરવા દબાણ કરી રહ્યાં છે. સેનેટમાં ટ્રમ્પ સામેની કાર્યવાહી ક્યારે શરૂ કરાશે તેની તારીખ હજુ નક્કી કરાઈ નથી.