નવી દિલ્હીઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ હેઠળ વિઝા નિયમોમાં થયેલા ફેરફારો ભારતીયોની મુશ્કેલી વધારી રહ્યા છે. તાજેતરમાં બહાર આવેલા અહેવાલ મુજબ કુશળ કામદારો માટે મળતા એચ-1બી વિઝા નિયમોમાં ફેરફાર થયા પછી ભારતીય વ્યવસાયિકો અને ભારતીય મૂળના બિઝનેસમેન વિરુદ્ધ નફરતનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. અમેરિકામાં ભારતીયો પ્રતિ ભેદભાવ વધી રહ્યો છે.
ટ્રમ્પ સરકારે નવા નિયમો હેઠળ એચ-1બી વિઝા માટે અરજી ફી વધારીને રૂપિયા 1 લાખ કરી દીધી છે. તે ઉપરાંત વેતન આધારે પસંદગી કરવાની નીતિ અમલી કરી છે. જેમાં વધુ વેતન ધરાવતી નોકરીઓમાં અમેરિકન્સને પ્રાથમિકતા અપાશે. વહીવટી તંત્રનું કહેવું છે કે અમેરિકી વ્યવસાયીઓની સુરક્ષા માટે આ ફેરફાર જરૂરી છે. ફેબ્રુઆરીથી આ નિયમોનો કડક અમલ શરૂ થવાનો છે.
એક અહેવાલ મુજબ ટ્રમ્પની નીતિને પગલે એડફેક્સ, વોલમાર્ટ અને વેરિઝોન જેવા મોટા ઓનલાઈન પ્લેટફોર્મ્સને પણ નિશાન બનાવાઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ કંપનીઓ પર આરોપ લાગી રહ્યા છે કે તેઓ ગેરકાયદે રીતે ભારતીયોને નોકરી વેચી રહ્યા છે. સ્થિતિ એ છે કે ગયા વર્ષે નવેમ્બરમાં દક્ષિણ એશિયાના સમદાયો વિરુદ્ધ ધમકીઓની સંખ્યામાં 12 ટકા વધારો નોંધાયો છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આ સમુદાયો વિરુદ્ધ અપશબ્દ અને ગાળોના પ્રમાણમાં 69 ટકા જેટલો વધારો નોંધાયો હતો.
ગયા ડિસેમ્બર મહિનામાં એક ભારતીય કંપનીને નિશાન બનાવાઇ હતી. સોશિયલ મીડિયા પર ફેડએક્સનો એક ખોટકાયેલા ટ્રકનો વીડિયો વાઈરલ થયો હતો. તે પછી ભારતીય મૂળના સીઈઓ રાજ સુબ્રમણ્યમને નિશાન પર લેવામાં આવ્યા હતા. સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ ઓર્ગેનાઈઝ્ડ હેટના વડા રાકિબ નાઇકે જણાવ્યું હતું કે સામૂહિક ઝુંબેશના ભાગરૂપે ભાારતીયોને નિશાન બનાવાઇ રહ્યા છે. ભારતીય–અમેરિકી વ્યવસાયિકો તેમના નિશાન પર હોય છે.


