વોશિંગ્ટન: દુનિયાભરના દેશો પર ટેરિફ લાદીને અમેરિકાની તિજોરી છલકાવી દેવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મનસૂબા ઊંધા પડ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, આક્રમક નાણાકીય નીતિના જોરે બીજા દેશોને દબાવવા નીકળેલા ટ્રમ્પ તેના કારણે ઘરઆંગણે જ ફસાયા છે. આ નીતિઓના કારણે ટ્રમ્પે હવે ઘરઆંગણે જ ભારે મોંઘવારી, મોંઘા ઋણ અને બજારમાં સુસ્તીનો સામનો કરવાનો આવ્યો છે. અમેરિકન બજારને તેમણે ઠપ કરી દીધો છે. બેરોજગારીના આંકડા દિનપ્રતિદિન વધતા જાય છે.
અમેરિકાનું અર્થતંત્ર આજે બધી બાજુથી મંદીમાં સપડાયું છે. અમેરિકન અર્થતંત્રએ ચાર-ચાર મોરચે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાએ વિશ્વને બચાવવાના નામે યુરોપ, ભારત અને ચીન પર ભારે ટેરિફ નાખ્યા. અમેરિકાનું ધ્યેય બીજા દેશોને આર્થિક ફટકો મારવાનું હતું, પરંતુ હવે તેનો સીધો બોજ અમેરિકન કંપનીઓ અને તેના ગ્રાહકો પર આવી રહ્યો છે. અમેરિકન કંપનીઓ પાસે જમા સ્ટોક ખતમ થવાની સાથે જ તેણે હવે ટેરિફના લીધે મોંઘી આયાત કરવી પડી રહી છે. તેના કારણે અમેરિકામાં મોંઘવારી ફરીથી બેકાબૂ થઈ રહી છે.
અમેરિકાનો રિટેલ ફુગાવો હાલમાં 3.4 ટકાની આસપાસ છે. યુએસ ફેડ રિઝર્વનું લક્ષ્ય 2.0 છે. આ સંદર્ભમાં જોઈએ તો મોંઘવારીનો દર બે ટકાથી ઘણો વધારે છે. મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 95-96 ડોલર આસપાસ ફરે છે. ક્રૂડ ઓઇલમાં તેજી રહેવાના કારણે મોંઘવારીનો દર લાંબા સમય સુધી ઊંચો રહેવાની ચિંતાએ બજારને હચમચાવી નાખ્યું છે.
આ સમયે ફેડ રિઝર્વના ચેરમેન કેવિન વાર્શે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો મોંઘવારી બે ટકાની અંદર નહીં આવે તો યુએસ ફેડ રિઝર્વએ આકરા પગલાં લેવા પડશે. આમ થોડા મહિના પહેલાં જ્યાં વ્યાજદર ઘટાડવાની વાત ચાલતી હતી હવે ત્યાં હવે સ્થિતિ બિલકુલ વિપરીત છે. વ્યાજદર વૃદ્ધિની સંભાવના વધી ગઈ છે. વ્યાજદર ઊંચી રહેતા હોમ લોન, કાર લોન અને કોર્પોરેટ ઋણ અત્યંત મોંઘા થવા લાગ્યા છે. અમેરિકન ગ્રાહક તેમા પીસાઈ રહ્યો છે.
અમેરિકાએ ભારત જેવા ઉભરતા અર્થતંત્રો પર પ્રતિબંધોથી દબાણ સર્જયું તો ભારત, ચીન, રશિયા અને તેના સંગઠન ‘બ્રિક્સ’એ પારસ્પરિક ચલણો એટલે કે રૂપિયા, યુઆન, દિરહામમાં કારોબાર કરવાની પ્રક્રિયા વધુ તેજ કરી. તેથી વિશ્વમાં અમેરિકન ડોલર પરની નિર્ભરતા ઘટતા તે વધુ નબળો પડી રહ્યો છે. ડીડોલરાઇઝેશનને વેગ મળ્યો છે. આમ અમેરિકાએ ટેરિફની વોલ જે બીજા અર્થતંત્રો માટે રચી હતી તે હવે તેના અમેરિકન ગ્રાહકો પર જ પડી રહી છે.


