વોશિંગ્ટનઃ યુએસ એડમિનિસ્ટ્રેશને છેવટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતું ફરમાન જારી કરી દીધું છે. આ સાથે ભારતમાં બુધવાર - 27 ઓગસ્ટથી પેનલ્ટી ટેરિફ લાગુ થઇ ગયો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ છઠ્ઠી ઓગસ્ટે આ દંડાત્મક ટેરિફ જાહેર કર્યો હતો. અગાઉ ટ્રમ્પે 30 જુલાઇએ વેપાર ખાધનો હવાલો આપતાં ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. આમ હવે ભારતીય માલસામાન પર કુલ 50 ટકા ટેરિફ થયો છે. બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને અયોગ્ય ગણાવતાં કહ્યું હતું કે અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બજારની સ્થિતિના આધારે ઓઇલ ખરીદીએ છીએ અને એનો ઉદ્દેશ 1.4 બિલિયન ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાનો ટેરિફ લાદી રહ્યું છે, ભારત રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા દરેક જરૂરી પગલાં લેશે. (વિશેષ અહેવાલ પાન - 8)