વોશિંગ્ટન: ટ્રમ્પ સરકાર દ્વારા તગડી કમાણીની આશા સાથે નવી શરૂ કરવામાં આવેલી ગોલ્ડ કાર્ડ વિઝા યોજનાનું ફિંડલું વળી જવાના સંકેતો સાંપડી રહ્યા છે. વાણિજ્ય પ્રધાન હાર્વર્ડ લુટનિકે કહ્યું હતું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ફક્ત એક વ્યક્તિને જ ગોલ્ડ કાર્ડ વિઝા આપવામાં આવ્યા છે. કેટલીક અરજીઓ હજી તપાસનાં તબક્કામાં પેન્ડિંગ છે.
આ યોજના અંતર્ગત જો કોઈ વિદેશી નાગરિક ઓછામાં ઓછા 1 મિલિયન ડોલર (આશરે રૂ. 8 કરોડથી વધુ રકમ) જમા કરાવીને અમેરિકામાં રહેવાનો અને કામકાજ કરવાનો અધિકાર મેળવી શકે છે. અરજદારે 15,000 ડોલર વધારાની ફી પણ ચૂકવવી પડે છે, જેથી તેની અરજદારોની ઝીણવટભરી તપાસ કરી શકાય. આ યોજના અગાઉની EB-5 વિઝા કાર્યક્રમનું સ્થાન લેવા ઘડાઈ હતી. જેમાં કેટલીક રકમનાં રોકાણને બદલે વિઝા અપાતા હતા. ટ્રમ્પે આ યોજનાને ગ્રીન કોર્ડનું એડવાન્સ વર્ઝન ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ યોજનાથી અમેરિકામાં વિદેશી રોકાણ અને પ્રતિભાને અમેરિકામાં લાવવામાં આવશે. તેમણે પહેલા પાંચ મિલિયન ડોલર જમા કરાવવાનો વિકલ્પ પણ રજૂ કર્યો હતો.


