ટ્રમ્પની મોદીને ‘નોટ’ : ૫૦૦ હજારનું ચલણી નાણું રદ કરવાનું પગલું પ્રશંસાને પાત્ર

Friday 18th November 2016 08:28 EST
 
 

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહકાર ટીમના સભ્ય અને જાણીતા બિઝનેસમેન શલભકુમારે જણાવ્યું છે કે અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને ત્રાસવાદી દેશ જાહેર કરતો ખરડો પસાર કરશે. અમેરિકી ગૃહમાં આ ખરડો મુકાઈ ચૂક્યો છે, જો આમ થાય તો ભારતને બળ મળવાની શક્યતા છે. ઉરી પરના ત્રાસવાદી હુમલા પછી બે અમેરિકી કોંગ્રેસમેને પહેલી જ વાર પાકિસ્તાન પર દબાણ વધારવા માટે પાક.ને ત્રાસવાદી દેશ જાહેર કરવા ખરડો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેમિસ્ટ્રી જરૂરથી મેળ ખાશે. ટ્રમ્પ પ્રમુખ બનતાં ભારત-અમેરિકા સંબંધો નવી ઊંચાઈ સર કરશે. ટ્રમ્પ અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા તેના કલાકોમાં જ વડા પ્રધાન મોદીએ ચલણી નોટો રદ કરવા લીધેલા હિંમતભર્યા પગલાંની તેમણે પ્રશંસા કરી હતી, તેમણે કહ્યું હતું કે ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ટ્રમ્પ ટીમના સંપર્કમાં છે.

ભારતીય અમેરિકન નિક્કીની વિદેશ પ્રધાન બનવાની શક્યતા

સાઉથ કેરોલિનાના ગવર્નરપદે બે મુદત માટે સેવા આપી ચૂકેલા ૪૪ વર્ષની ઉંમરના નિક્કી મૂળ ભારતીય છે. તેઓની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પણ ગોઠવાઈ હતી. ટ્રમ્પની રાજકીય ટીમે જણાવ્યા મુજબ અમેરિકી વિદેશ પ્રધાન તરીકે તેમનાં નામની વિચારણા થઇ રહી છે. ૭૦ વર્ષના ટ્રમ્પ કેબિનેટમાં નિમણૂક માટેની મસલતો માટે પૂર્વ વિદેશ પ્રધાન હેનરી કિસિન્જર, જનરલ (નિવૃત્ત) જેક કાને, એડમિરલ માઇક રોજર અને કેન બ્લેકવેલને પણ મળવાના છે. આ મસલતોમાં કેટલાક ઉમેદવારો છે તો કેટલાક સલાહ સૂચના આપનારા છે.

ટ્રમ્પ ભારતીય ભાગીદારોને મળ્યા

અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભારત ખાતેના બિઝનેસ પાર્ટનર્સને મળ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલાં કામની પ્રશંસા કરી હતી. પંચશીલ રિયાલિટીના ડિરેક્ટર સાગર ચોરડિયા અને ટ્રિબેકા ડેવલપર્સના પોતાના પાર્ટનર કલ્પેશ મહેતા તેમજ અતુલ ચોરડિયાને ન્યૂ યોર્ક ખાતે મળ્યા હતા. આ મુલાકાત વખતે ટ્રમ્પની દીકરી ઇવાનિકા અને પુત્ર એરિક પણ હાજર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter