ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ તળિયે... 61 ટકા લોકો યુદ્ધના વિરોધમાં

Sunday 05th April 2026 10:06 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ તળિયે ગયો છે. એક નવા સર્વેમાં વ્હાઇટ હાઉસમાં તેમના પુનરાગમન પછી તેમની લોકપ્રિયતાને લઈને ગંભીર સવાલ સર્જાયો છે. સર્વેક્ષણ મુજબ મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધ અને આકાશને સ્પર્શતી  પેટ્રોલની કિંમત વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતાની રેટિંગ તળિયે પહોંચતા ઘટીને ફક્ત 36 ટકા થઈ ગઈ છે. ટ્રમ્પના બીજા કાર્યકાળનું આ અત્યંત નીચલું સ્તર છે. રોઇટર્સ અને ઇસોપ્સના સર્વે મુજબ ગયા અઠવાડિયા સુધી તેમની રેટિંગ 40 ટકા હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં તેમાં સીધો ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે.

ટ્રમ્પે ચૂંટણી દરમિયાન મોટા-મોટા વચન આપ્યા હતા કે અમેરિકાને કારણ વગરના યુદ્ધમાં નહીં ઝીંકી દઈએ, દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકી દઇશું. પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ ઇરાન યુદ્ધ પછી સમીકરણ બદલાઈ ગયા છે. સર્વે મુજબ અમેરિકામાં પેટ્રોલ લગભગ પ્રતિ ગેલન એક ડોલર જેટલું મોંઘું થઈ ગયું છે. તેનો સીધો બોજો સામાન્ય માનવીના ખિસ્સા પર પડી રહ્યો છે. પ્રજાને સરકારને લઈને એટલો અવિશ્વાસ છે કે ફક્ત 25 ટકા લોકો જ અર્થતંત્રને ચલાવવાની ટ્રમ્પની પદ્ધતિ સાથે સંમત છે. ફક્ત 29 ટકા અમેરિકનોને જ ટ્રમ્પના ઇકોનોમિક મેનેજમેન્ટ પર વિશ્વાસ છે. આ ટકાવારી તેમના બંને કાર્યકાળની સૌથી ઓછી ટકાવારી છે. રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પનું રેટિંગ તેમના પહેલા પ્રમુખ રહેલા બાઇડેનના રેટિંગ કરતાં પણ ઘટયું છે. 61 ટકા અમેરિકનો આ હુમલાનો વિરોધ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter