વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું તળિયે જતું રેટિંગ દર્શાવે છે કે રિપબ્લિકન મિડ ટર્મ ઇલેક્શન ગુમાવે તેવી પ્રબળ સંભાવના છે. ટ્રમ્પનું રેટિંગ વિક્રમજનક 31 ટકાના વિક્રમજનક નીચલા સ્તરે પહોંચી ગયું છે. ગેસોલીનના ઊંચા ભાવ અમેરિકનોનું બજેટ બગાડી રહ્યા છે અને લોકો આ માટે ટ્રમ્પને જવાબદાર માને છે. આથી ત્રીજી નવેમ્બરે યોજાનારી મિડ ટર્મ ચૂંટણીના પરિણામનું પલ્લું ડેમોક્રેટ્સ તરફ ઝૂકે તેમ મનાય છે.
નોંધનીય છે કે બે અઠવાડિયા પહેલાં ટ્રમ્પનું રેટિંગ 33 ટકા હતું, જે હવે ઘટીને 31 ટકા થયું છે. પ્રેસિડેન્ટ તરીકે આ સૌથી નીચામાં નીચું રેટિંગ છે. આ બતાવે છે કે દેશવાસીઓ ટ્રમ્પની નીતિઓથી કેટલા નારાજ છે અને તેના પગલે આવેલી મોંઘવારીથી કેવા તોબા પોકારી ગયા છે. આજે જો ચૂંટણી થાય તો 47 ટકા મતદારો ડેમોક્રેટ્સને પસંદ કરે અને 35 ટકા મતદારો જ ટ્રમ્પને પસંદ કરે. આમ આજના માહોલમાં ડેમોક્રેટ્સ રિપબ્લિકન પર 12 પોઇન્ટની સરસાઈ ધરાવે છે. બે સપ્તાહ પહેલાના જ પોલમાં ડેમોક્રેટ્સના 44 ટકા અને રિપબ્લિકનનું 37 ટકા રેટિંગ હતું.
ટ્રમ્પથી સૌથી વધુ નારાજ મહિલા મતદારો છે કેમ કે ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે. લગભગ 50 ટકા મહિલા મતદારોનું કહેવું છે કે તે ડેમોક્રેટ્સને મત આપશે. તેની સામે ફક્ત 32 ટકા મહિલા મતદારો રિપબ્લિકનને મત આપવા માંગે છે.


