વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી 2025માં બીજી વખત સત્તાના સૂત્રો સંભાળ્યા બાદથી જ દુનિયાભરમાં મિત્ર દેશો સાથે ટ્રેડ વોરની શરૂઆત કરી હતી. મિત્ર દેશો પર જંગી ટેરિફ નાંખીને અમેરિકાની તિજોરી છલકાવવાનો ટ્રમ્પનો આશય હતો, પરંતુ હકીકતમાં તેનાથી વિપરિત થયું છે.
ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી બીજા દેશોની સાથે સાથે અમેરિકન અર્થતંત્રને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે અને અમેરિકન કંપનીઓ એક પછી એક બંધ થવા લાગી છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2025માં અમેરિકામાં કોર્પોરેટ નાદારીએ 15 વર્ષનો રેકોર્ડ તોડયો છે. નવેમ્બર 2025 સુધીમાં અમેરિકામાં કુલ 717 કંપનીઓએ દેવાળુ ફૂંક્યું છે.
ઝીરો ઇમિગ્રેશન નીતિની આડ અસર
પ્રમુખ ટ્રમ્પની ‘ઝીરો ઈમિગ્રેશન’ નીતિ હવે અમેરિકા માટે બોજ બની રહી છે. 2024માં યુએસમાં વિદેશી જન્મેલા વસ્તી 14.8 ટકા રહેવાનો અંદાજ હતો, જે 1890 પછી સૌથી વધુ છે. જોકે સત્તામાં આવ્યા પછી ટ્રમ્પ તંત્રએ સરહદ સીલ કરી દીધી. વિઝા ફીમાં તોતિંગ વધાર્યો કર્યો અને શરણાર્થી પ્રવેશ અટકાવ્યો. સાથે સાથે જ કામચલાઉ કાનૂની દરજ્જો ધરાવતા લાખો લોકોને ડિપોર્ટ કરવાની ધમકી સાથે કાયદાનો દંડો પછાડ્યો.
પરિણામે વાર્ષિક ઇમિગ્રેશનનો આંકડો 20 લાખથી ઘટીને માત્ર 4.5 લાખ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 લાખ લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. જેની સીધી અસર જમીન પર દેખાઈ રહી છે. હોસ્પિટલોમાં ડોકટરો અને નર્સો નથી. શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, રેસ્ટોરાં બંધ થઈ રહ્યા છે અને પાક જોખમમાં છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી છે કે શ્રમની અછત ફુગાવા તરફ દોરી જશે, સેવામાં ઘટાડો થશે અને લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી વાળી અમેરિકાની છબી વિખરાઈ જશે.

